‘ના, એ મને વડા પ્રધાન નહીં બનાવે..’ પ્રણવદાની ડાયરી પરથી પુત્રીએ લખ્યું પુસ્તક, સોનિયા-રાહુલ વિશે આ ખાસ ઉલ્લેખ
પ્રણવ મુખર્જી ભારતના વડા પ્રધાન બનવા માગતા હતા અને તેમણે પોતાની આ મહત્વાકાંક્ષાઓ છુપાવી પણ નહોતી. જો કે તેઓ સારી રીતે જાણતા હતા કે વડા પ્રધાન બનવાની ફક્ત ઇચ્છા રાખવાથી વડા પ્રધાન બની નહી જવાય. તેમની પુત્રી શર્મિષ્ઠાએ પિતાની અધૂરી ઇચ્છાઓ વિશે પોતાના પુસ્તકમાં વિસ્તૃતપણે જણાવ્યું છે.
વર્ષ 2004માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારને હરાવીને કોંગ્રેસની આગેવાનીમાં UPA અસ્તિત્વમાં આવી ત્યારે વડા પ્રધાન કોણ બનશે તે નક્કી કરવા માટે ઘણો વિવાદ થયો હતો. કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધીને વડા પ્રધાન સંભાળવા માટે વારંવાર આગ્રહ કરી રહ્યા હતા પરંતુ સોનિયાને ખ્યાલ હતો કે ભારતની પ્રજા વિદેશી મહિલાને વડાં પ્રધાન તરીકે ક્યારેય નહિ સ્વીકારે. આમ તો વડા પ્રધાન પદના અનેક દાવેદારો હતા પરંતુ ડૉ. મનમોહનસિંહ અને પ્રણવ મુખર્જીનું નામ સૌથી આગળ હતું.
પ્રણવ મુખર્જીની પુત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા શર્મિષ્ઠા મુખર્જીએ પિતાને પૂછ્યું હતું કે સોનિયા ગાંધીના ઇનકાર કરવા છતાં પણ તેમના વડા પ્રધાન બનવાના સંજોગો છે? તેના જવાબમાં પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, “ના. તેઓ ક્યારેય મને વડા પ્રધાન નહી બનાવે.”
શર્મિષ્ઠા મુખર્જીએ વર્ષ 2021માં રાજકારણનો ત્યાગ કરી દીધો હતો. તેમણે ‘In Pranab, My father: a daughter remembers’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે પ્રણવ મુખર્જીની ડાયરી સહિત તેમના વિચારો અને તેમની પાસેથી સાંભળેલી વાતો પરથી તેમના જીવનપ્રસંગોને ઉતાર્યા છે. કઇ રીતે પ્રણવ મુખર્જીની ભારતના વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા અધૂરી રહી, નહેરુ-ગાંધી પરિવારના આભામંડળ હેઠળ તેમનું જીવન કઇરીતે પસાર થયું, તેઓ દેશની સૌથી જૂની પાર્ટીના ભવિષ્ય એવા રાહુલ ગાંધી વિશે શું માનતા હતા એ તમામ વિગતોને તેમણે પોતાના પુસ્તકમાં સમાવી છે.
‘ધ પીએમ ઇન્ડિયા નેવર હેડ’માં શર્મિષ્ઠાએ લખ્યું હતું કે “વડા પ્રધાન પદની રેસમાંથી સોનિયા ગાંધીની પીછેહઠ બાદ મીડિયામાં અફવાઓનું બજાર ગરમ હતું. આ પદ માટે મુખ્ય દાવેદારો તરીકે મનમોહનસિંહ અને પ્રણવ મુખર્જીના નામ આગળ હતા. મને લાંબા સમય સુધી બાબા(પ્રણવ મુખર્જી)ને મળવાનો મોકો ન મળ્યો કારણકે તેઓ ખૂબ વ્યસ્ત હતા. પરંતુ મેં ફોન પર વાત કરી હતી. મેં જ્યારે તેમને પૂછ્યું કે શું તેમને વડા પ્રધાન બનાવવામાં આવશે, ત્યારે તેમણે એકઝાટકે જવાબ આપ્યો, ના. મનમોહનસિંહને બનાવશે. જો કે તેમણે તરત જાહેરાત કરી દેવી જોઇએ. અનિશ્ચિતતાનો માહોલ દેશ માટે યોગ્ય ન કહેવાય..”
આ પુસ્તક 11 ડિસેમ્બરે લોન્ચ થવા જઇ રહ્યું છે. શર્મિષ્ઠાએ આગળ લખ્યું છે કે વડા પ્રધાન પદ માટે પસંદગી ન પામતા પિતાજીને આમ કોઇ નિરાશા નહોતી પણ જ્યારે તેમણે સામેથી પ્રણવ મુખર્જીને પૂછ્યું હતું ત્યારે તેમણે કહી દીધું હતું કે તેઓ વડા પ્રધાન બનવા માગે છે.
પ્રણવદાએ કહ્યું હતું કે, “હા હું બિલકુલ વડા પ્રધાન બનવા માગીશ, દરેક રાજનેતાની આ મહત્વાકાંક્ષા હોય જ છે. પરંતુ ખાલી ઇચ્છા રાખવાથી જ વડા પ્રધાન પદ મળી ન જાય.”
શર્મિષ્ઠા આગળ લખે છે કે પ્રણવ મુખર્જીને લાગતું હતું કે સોનિયા પ્રતિભાશાળી, મહેનતુ, અને શીખવા માટે ઉત્સુક મહિલા છે. તેમને પોતાની નબળાઇઓનો ખ્યાલ હતો અને તેના પર કામ કરીને તેને દૂર કરવા માટે તેઓ મહેનત પણ કરતા હતા. તેમને ભલે રાજકીય અનુભવ ઓછો હતો, પરંતુ તેમણે દેશના રાજકારણ અને સામાજીક જટિલતાઓને સમજવા માટે સખત મહેનત કરી.
આ ઉપરાંત રાહુલ ગાંધી વિશે પ્રણવદા માનતા હતા કે રાહુલ એક અત્યંત વિનમ્ર અને ‘જીજ્ઞાસાથી ભરપૂર’ યુવાન છે. જો કે રાહુલ ”હજુ રાજકીય રીતે પરિપક્વ નથી.” તેવો પુસ્તકમાં ઉલ્લેખ છે. પ્રણવ મુખર્જીએ રાહુલને કેબિનેટમાં સામેલ થવાનો અને શાસનનો અનુભવ લેવાની વાત કરી હતી. જો કે રાહુલે એ સલાહ પર ધ્યાન આપ્યું ન હતું. પ્રણવ મુખર્જીએ તેમની ડાયરીમાં નોંધ્યું હતું કે રાહુલને વિવિધ વિષયોમાં રસ તો છે પરંતુ તે ઝડપથી એક વિષય પરથી બીજા વિષય પર જતા રહે છે. તેમણે કેટલું આત્મસાત કર્યું હશે તે એક પ્રશ્ન છે.