લાખો કરોડો રૂપિયાનો બિઝનેસ કરાવશે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, જાણો કઈ રીતે?
અયોધ્યા: ભારત સહીત સમગ્ર વિશ્વની નજર 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર છે. આ અવસરનો લાભ લઈને ઉદ્યોગપતિઓ પણ સક્રિય જણાઈ રહ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે 22 જાન્યુઆરીએ દેશમાં 1 લાખ કરોડ રૂપિયાના વેપારનો અંદાજ મૂક્યો છે.
અયોધ્યા રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારત ભરમાં દિવાળી જેવો માહોલ થઇ ગયો છે. લોકો હર્ષોઉલ્લાસ સાથે આ આવસરને આવકારવા થનગની રહ્યા છે. આ પ્રસંગનો લાભ લેવા વેપારીઓ પણ તલપાપડ થઇ રહ્યા છે. દેશના વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે 22 જાન્યુઆરીએ દેશમાં 1 લાખ કરોડ રૂપિયાના વેપાર થવાનો અંદાજ મૂક્યો છે.
દેશભરના લોકોમાં રામ મંદિરને લઈને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને દેશના મહત્વના ૨૦ થી વધુ શહેરોમાંથી કરાયેલા સર્વેને જોઇને CAT એ આજે તેના અંદાજમાં સુધારો કર્યો અને કહ્યું કે મંદિરનો આંકડો અર્થતંત્રમાંથી ઉદ્ભવતા વેપાર હવે રૂ. 1 લાખ કરોડના વેપારને પાર કરશે.
પ્રવીણ ખંડેલવાલ કે જે CATના રાષ્ટ્રીય મહાસચિવ છે, તે આ ઘટનાને દેશના વ્યાપાર ઇતિહાસમાં એક દુર્લભ ઘટના ગણાવી રહ્યા છે. અને તે વધુમાં ઉમેરતા કહે છે આ અવસર દેશની વ્યાપાર વૃદ્ધિ અને અર્થવ્યવસ્થામાં મોટી માત્રામાં અને ઘણા નવા વ્યવસાયોની તક ઉભી કરી રહી છે.
1 લાખ કરોડ રૂપિયાના અંદાજના આધારે ખંડેલવાલે કહ્યું કે, 22 જાન્યુઆરી સુધી દેશભરમાં વેપારી સંગઠનો દ્વારા 30 હજારથી વધુ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. રામ મંદિર પ્રત્યે ઉદ્યોગપતિઓ અને અન્ય વર્ગોના પ્રેમ અને સમર્પણને કારણે મુખ્ય બજારોમાં શોભા યાત્રા, શ્રી રામ પેડ યાત્રા, શ્રી રામ રેલી, શ્રી રામ ફેરી, સ્કૂટર અને કાર રેલી, શ્રી રામ ચોકી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આવા કાર્યક્રમો માટે બજારોને સુશોભિત કરવા માટે શ્રી રામના ઝંડા, પતાકા, કેપ, ટી-શર્ટ, કુર્તા વગેરેની રામ મંદિરના ચિત્રો સાથે મુદ્રિત વસ્તુઓની બજારમાં ભારે ડિમાન્ડ છે.
આપને જણાવી દઈએ કે શ્રી રામ મંદિર મોડેલની ભારે માંગના કારણે દેશભરમાં 5 કરોડથી પણ વધુ મોડેલોના વેંચાણનો અંદાજ કરવામાં આવી રહ્યો છે. આ મીની મોડેલ માટે દેશના વિવિધ શહેરોમાં દિવસ-રાત મોડેલ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.
શોભાયાત્રામાં સંગીતની જમાવટ કરવા માટે ઢોલ, તાશા ઢોલ, તાશા, બેન્ડ, શહેનાઈ, નફીરી વગેરે વગાડનારા કલાકારોના ગ્રુપ આગામી દિવસો માટે બુક થઈ ગયા છે. આ શોભા યાત્રા માટે વિવિધ ટેબ્લોક્સ બનાવનારા કલાકારો અને કારીગરોને પણ મોટું કામ મળ્યું છે.
આ સાથે સાથે માટીના દીવા અને અન્ય વસ્તુઓની પણ માંગ વધી છે. બજારોમાં વિવિધ પ્રકારની સજાવટ કરવા માટે રંગબેરંગી અને અન્ય સુશોભનની વસ્તુઓની માંગ પણ વધી છે. આ સાથે જ દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને મોટા પાયે વેપારનો અંદાજ કરવામાં આવી રહ્યો છે.