કર્ણાટકની ચૂંટણીમાં ટિકિટ આપવા મુદ્દે છેતરપિંડીઃ કેન્દ્રીય પ્રધાનના ભાઈ નામે નોંધાઈ ફરિયાદ
બેંગલુરુ: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી(Prahlad Joshi)ના ભાઈ ગંભીર આરોપો લાગ્યા છે, ગોપાલ જોશી (Gopal Joshi) પર લોકસભા ચૂંટણીમાં ટિકિટની લાલચ આપીને 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. હવે ગોપાલ જોશી વિરુદ્ધ કર્ણાટકમાં કેસ નોંધવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ સુનિતા ચવ્હાણ નામની મહિલાએ બસવેશ્વર નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગોપાલ જોશી સાથે તેમના સંબંધો દસ વર્ષ પહેલા તૂટી ગયા હતા. તેને તેના ભાઈ સાથે કોઈ સંબંધ નથી.
નોંધનીય છે કે, સુનીતા ચવ્હાણ પૂર્વ ધારાસભ્ય દેવાનંદ ચવ્હાણના પત્ની છે. દેવાનંદ ચવ્હાણ 2018માં નાગાથાના મતવિસ્તારમાંથી જેડીએસના વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 2023ની ચૂંટણી હારી ગયા હતા. 2024ની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પ્રયાસ કરી રહેલા દેવાનંદ ચવ્હાણનો પરિચય શેખર નાઈક દ્વારા ગોપાલ જોશી સાથે થયો હતો.
નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, ગોપાલ જોશી માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૌહાણ દંપતીને હુબલીમાં મળ્યા હતા. તેમણે વાયદો કર્યો કે તેઓ લોકસભા ચૂંટણી માટે ટિકિટ અપાવશે.
ગોપાલ જોશીએ તેમને કહ્યું કે મારો ભાઈ કેન્દ્ર સરકારમાં સારા હોદ્દા પર છે. વડા પ્રધાન મોદી અને અમિત શાહ ચોક્કસપણે તેમની વાત સાંભળશે. ગોપાલ જોશીએ દેવાનંદ ચવ્હાણને ખાતરી આપી હતી કે તે તેને વિજયપુરાથી ટિકિટ અપાવશે અને તેના બદલામાં તેણે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ચવ્હાણ દંપતી 5 કરોડ રૂપિયા શક્ય ન હોવાનું કહી ડીલ કરી ન હતી. બાદમાં ગોપાલ જોશી અને શેખરે ચવ્હાણ દંપતીને સમજાવ્યા. તેની પાસેથી 25 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા.
દેવાનંદ ચવ્હાણને ટિકિટ ન મળતાં સુનીતાએ ફરી ગોપાલને ફોન કર્યો. ગોપાલ જોશીએ તેને કહ્યું કે તેને 200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળવાનો છે, ત્યાર બાદ પૈસા પરત કરશે. તેણે તેને 1.75 કરોડ રૂપિયા ચૂકવીને મદદ કરવા કહ્યું, જે 20 દિવસમાં પરત આપવાનું વચન આપ્યું. ફરિયાદીએ કહ્યું કે જ્યારે એક મહિના પછી પણ કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેણે ગોપાલને ફોન કરવાનું શરૂ કર્યું, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
સુનીતાએ ગોપાલને હુબલીમાં તેના ઘરે મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને જવાબ મળ્યો કે તે ઘરે નથી. સુનિતા આખરે બેંગલુરુના બસવેશ્વરા નગરમાં વિજયલક્ષ્મીના ઘરે પહોંચી, જ્યાં કથિત રીતે તેને અપમાનિત કરીને ઘરની બહાર ધકેલવામાં આવી. જે બાદ સુનીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Also Read –