નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

UPના અમેઠી-રાયબરેલીમાં રાહુલ-પ્રિયંકાના પોસ્ટર લાગ્યા, કાલે ભરી શકે છે ઉમેદવારી પત્ર

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની લોકસભાની બે સૌથી મહત્વપૂર્ણ બેઠક અમેઠી અને રાયબરેલી બેઠકને લઈ સસ્પેન્સ હટતું જણાઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં નોમિનેશનને લઈને સક્રિયતા તેજ થતી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવતીકાલે એટલે કે શુક્રવારે ઉમેદવારી પત્રો ભરી શકે છે. બંનેની ઉમેદવારી અંગે અમેઠીથી રાયબરેલી સુધીની ઓફિસોમાં તૈયારીઓ જોવા મળી રહી છે. કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયમાં હવન પૂજા બાદ નામાંકન કાર્યક્રમ યોજાશે તેવી પણ માહિતી છે.

સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે અમેઠીથી રાહુલ ગાંધીના નામ પર ઓનલાઈન નોમિનેશન ફોર્મ ખરીદવામાં આવ્યું છે. તે આવતીકાલે ઉમેદવારી નોંધાવી શકે છે. ગુરુવારે સવારે અમેઠી પહોંચેલા સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરી લાલ શર્માએ કહ્યું- ગાંધી પરિવારના કોઈ સભ્ય જ ચૂંટણી લડશે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નોમિનેશન દરમિયાન તેમની માતા સોનિયા ગાંધી હાજર રહી શકે છે. મળતી માહિતી મુજબ, નોમિનેશનની સાથે કોંગ્રેસ પાર્ટીનો રોડ શો પણ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાયબરેલીમાં રોડ શો માટે માત્ર 5 વાહનોને જ મંજૂરી આપવામાં આવી છે, પરંતુ નોમિનેશનને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે અમેઠીમાં રાહુલ ગાંધીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અહીં કોંગ્રેસને શોભાયાત્રા માટે 150 વાહનો અને 1500 લોકોને મંજૂરી મળી છે. એટલે કે શુક્રવારનો દિવસ બંને બેઠકો માટે ઘણો મહત્વનો સાબિત થવાનો છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે હજુ સુધી અમેઠી અને રાયબરેલીમાં પોતાના ઉમેદવારની ઔપચારિક જાહેરાત કરી નથી. આ બંને બેઠકો અંગે ઘણા સમયથી સસ્પેન્સ હતું. બીજી તરફ આજે ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. તેનો અર્થ એ કે રાયબરેલીમાં પ્રિયંકા અને દિનેશ પ્રતાપ વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની શકે છે, જ્યારે અમેઠીમાં રાહુલ અને સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button