નવી દિલ્હી : વિશ્વમાં ફરી એકવાર મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને (Monkeypox)વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. કોંગો અને આફ્રિકાના અન્ય ભાગોમાં આ રોગ ફેલાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંકીપોક્સના નવા સ્વરૂપનો પ્રથમ કેસ પણ સ્વીડનના પ્રવાસીમાંથી મળી આવ્યો છે. અત્યાર સુધી આવો કિસ્સો માત્ર આફ્રિકામાં જ જોવા મળતો હતો. અન્ય યુરોપિયન દેશોમાં પણ મંકીપોક્સના કેસોમાં વધારો થવાની ધારણા છે.આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ મંકીપોકસના કેસ નોંધાયા છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખ વધારી દીધી
આ દરમિયાન ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખ વધારી દીધી છે. રાજ્યો માટે પણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક કરી છે.
કેન્દ્ર સરકારે સતર્કતા વધારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સરહદો નજીક સ્થિત તમામ એરપોર્ટ તેમજ બંદરો પર અધિકારીઓને મંકીપોક્સના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પ્રત્યે સતર્ક રહેવા જણાવ્યું છે. મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રણ કેન્દ્રીય સંચાલિત હોસ્પિટલોને મંકીપોક્સથી પીડિત કોઈપણ દર્દીના આઇસોલેશન, મેનેજમેન્ટ અને સારવાર માટે નોડલ કેન્દ્રો તરીકે જાહેર કર્યા છે.
તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી
સૂત્રોએ જણાવ્યું કે તમામ રાજ્ય સરકારોને આવી હોસ્પિટલોની નક્કી કરવા જણાવાયું છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં મંકીપોકસની ઝડપી ઓળખ અને સતર્કતા વધારવા માટે દેશમાં તેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
દેશમાં અત્યારે કોઈ કેસ નથી
પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરીની મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી દેશમાં મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. ડો. મિશ્રાએ નિર્દેશ આપ્યો કે સતર્કતા વધારવી જોઈએ અને કેસની વહેલી તપાસ માટે અસરકારક પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે પરીક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક બનાવવું જોઈએ. હાલમાં 32 પ્રયોગશાળાઓ પરીક્ષણ માટે તૈયાર છે.
MPOX ચેતવણી અપડેટ કરવામાં આવી
આરોગ્ય સચિવે માહિતી આપી હતી કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા 12 ઓગસ્ટે ભારત માટેના જોખમનું મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાતોની બેઠક બોલાવવામાં આવી હતી. NCDC દ્વારા અગાઉ જાહેર કરાયેલ MPOX ચેતવણી અપડેટ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને મહત્વના બંદરો પર આરોગ્ય ટીમો મૂકવામાં આવી છે.
Also Read –