કેરલમાં ક્રિસમસની ઉજવણી માટે બનાવવામાં આવેલો અસ્થાયી પુલ તૂટી પડ્યો
તિરુવનંતપુરમ: કેરળના તિરુવનંતપુરમના નેયતિંકારા નજીક પુવર ખાતે નાતાલની ઉજવણી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સોમવારે રાત્રે નાતાલની ઉજવણી માટે બનાવવામાં આવેલો અસ્થાયી પુલ તૂટી પડ્યો હતો, આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી એક મહિલાના પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. બાકીના લોકોને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે.
અધિકારીએ જણાવ્યું કે રાત્રે 9 વાગ્યાની આસપાસ સંખ્યાબંધ લોકો પુલ પર ચઢી ગયા હતા, ત્યારે આ ઘટના બની હતી. બ્રિજનું સ્ટ્રક્ચર લોકોનું વજન સહન કરી શક્યું ન હતું અને એક તરફ નમી ગયું હતું, જેના કારણે તેના પર ઉભેલા લોકો પડી ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા છે.
જોકે જમીનથી પુલની ઊંચાઈ લગભગ પાંચ ફૂટ હતી. જેના કારણે લોકોને ગંભીર ઈજા થઇ ન હતી. અધિકારીના જણાવ્યા મુજબ, ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે ઈસુના જન્મને દર્શાવતા દ્રશ્યને જોવા માટે લોકો દિવાલને પાર કરી શકે તે માટે કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો હતો.