બિચારું બાળપણઃ ચિપ્સ અને બિસ્કિટની ચોરી કરી તો થાંભલા સાથે બાંધીને માર્યો માર
ચોરી કરવી ચોક્કસપણે ગુનો જ છે અને બાળ કે કિશોરાવસ્થામાં આવી ટેવ ન પડે તેની કાળજી રાખવી જોઈએ, પરંતુ ભૂખ લાગી હોય ને બિસ્કીટની ચોરી કરતા બાળકોને ઢોરમાર મારવામાં આવે તે સ્વીકાર્ય નથી. આવી ઘટના બિહારમાં બની છે.
અહીંના બેગુસરાઈમાં ચાર બાળકોને થાંભલા સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચાર સ્થાનિક બાળકો એક કરિયાણાની દુકાનમાં ઘૂસી ગયા હતા અને બિસ્કિટ અને ચિપ્સ અને કુરકુરેના પેકેટ્સની ચોરી કરી હતી. આ દરમિયાન ચારેય દુકાનદારના હાથે ઝડપાઈ ગયા હતા.
બાળકોને માત્ર માર મારવામાં આવ્યો ન હતો પરંતુ કલાકો સુધી તેમને થાંભલા સાથે બાંધીને રાખવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
આ ઘટના 28 ઓક્ટોબરે વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઝિલપુર ગામમાં બની હતી. એસપીના આદેશ પર આરોપી દુકાનદાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
નવાઈની વાત એ હતી કે આ દરમિયાન ડઝનબંધ લોકોનું ટોળું દર્શક બનીને બધું જોતું રહ્યું. કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોને બચાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પૂછપરછ બાદ તેમને તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યા હતા.
આ અંગે એસપી યોગેન્દ્ર કુમારે જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દુકાનદારે ચાર બાળકોને ચોરી કરતા રંગે હાથે પકડ્યા હતા. જે બાદ બાળકોને માર મારીને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યા હતા. પોલીસે બાળકોના માતા-પિતાનો સંપર્ક કરીને તેમને લેખિત ફરિયાદ કરવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ અરજી મળી નથી.