નેશનલ

મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં આજે મતદાન

ભાજપ અને કૉંગ્રેસની બળાબળની કસોટી: અનેક નેતાનું રાજકીય ભાવિ નક્કી થશે

ભોપાળ અને રાયપુર: મધ્ય પ્રદેશ વિધાનસભાની ૨૩૦ બેઠક અને છત્તીસગઢ વિધાનસભાની ૭૦ બેઠક પર શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં ભાજપ અને કૉંગ્રેસની બળાબળની કસોટી થવાની છે.
આ ચૂંટણી આગામી વર્ષે (૨૦૨૪માં)યોજાનારી લોકસભાની ચૂંટણીના સંદર્ભે ઘણી મહત્ત્વની ગણાય છે.

મતગણતરી ત્રીજી ડિસેમ્બરે થશે અને તે જ દિવસે પરિણામ આવશે.

આ ઉપરાંત રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠક માટે પચીસ નવેમ્બરે અને તેલંગણાની ૧૧૯ બેઠક માટે ૩૦ નવેમ્બરે મતદાન થશે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ, મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના પરિણામ ત્રીજી ડિસેમ્બરે જ જાહેર થશે.

છત્તીસગઢ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં બાકીની ૭૦ બેઠક માટે શુક્રવારે મતદાન કરવામાં આવશે જેમાં મુખ્ય પ્રધાન ભુપેશ બાઘેલ, નાયબ મુખ્ય પ્રધાન ટી. એસ. સિંહ દેવ, રાજ્યકક્ષાના આઠ પ્રધાન અને ચાર સાંસદ સહિતના રાજકીય રીતે મહત્ત્વના લેખાતા નેતાઓનું ભાવિ નક્કી થશે. પ્રથમ તબક્કામાં નક્સલવાદથી પ્રભાવિત છત્તીસગઢ વિધાનસભાની ૯૦ બેઠકમાંથી ૨૦ બેઠક માટે સાત નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં લગભગ ૭૮ ટકા જેટલું મતદાન થયું
હતું. રાજ્યમાં ભાજપ જ કૉંગ્રેસનો મુખ્ય
પ્રતિસ્પર્ધી છે. જોકે, આમ આદમી પાર્ટી (આપ), બહુજન સમાજવાદી પક્ષ (બસપ) અને અમુક પ્રાદેશિક પક્ષો પણ સ્પર્ધામાં છે.

કૉંગ્રેસ રાજ્યની ૭૫ કરતા પણ વધુ બેઠક પર વિજય મેળવવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે તો બીજી તરફ ભાજપનું લક્ષ્ય રાજ્યમાં ફરી સત્તા પર આવી કમબૅક કરવાનું છે.

અગાઉ વર્ષ ૨૦૦૩થી વર્ષ ૨૦૧૮ સુધી એમ સતત ૧૫ વર્ષ ભાજપ રાજ્યમાં સત્તા પર રહ્યો હતો.

કુલ ૯૫૮ ઉમેદવાર સ્પર્ધામાં છે જેમાં ૮૨૭ પુરુષ અને ૧૩૦ મહિલા તેમ જ એક તૃતીયપંથી ઉમેદવારનો સમાવેશ થાય છે. બાવીસ જિલ્લાની કુલ ૭૦ બેઠક પર આ ઉમેદવારો ચૂંટણી લડશે. કુલ ૧,૬૩,૧૪,૪૭૯ મતદારો છે જેમાં ૮૧,૪૧,૬૨૪ પુરુષ, ૮૧,૭૨,૧૭૧ મહિલા અને ૬૮૪ તૃતીયપંથી મતદારોનો સમાવેશ થાય છે.

૭૦ બેઠકની ચૂંટણી માટે કુલ ૧૮,૮૩૩ મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે.

અગાઉ ૧૫ વર્ષ વિપક્ષમાં રહ્યા બાદ વર્ષ ૨૦૧૮માં કૉંગ્રેસે રાજ્યમાં ફરી સત્તા મેળવી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button