
ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સીએમ સોરેન દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના સતત સંપર્કમાં છે અને ખાસ વાત તો એ છે કે તેઓ એકલા દિલ્હી નથી આવી રહ્યા. તેમની સાથે 6 વિધાન સભ્યો પણ દિલ્હી આવી રહ્યા છે. જેએમએમનું નેતૃત્વ આ તમામ વિધાન સભ્યોનો સંપર્ક કરવામાં સક્ષમ નથી.
એવી અટકળો છે કે ચંપાઇ સોરેન સાથે આ તમામ વિધાન સભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેએમએમના ધારાસભ્યો જેમના નેતૃત્વનો સંપર્ક કરવામાં અસમર્થ છે તેમાં દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિન્ડા, લોબિન હેમ્બ્રોમ, સમીર મોહંતીનો સમાવેશ થાય છે. તેઓ આસામ જવાની પણ શક્યતા છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા ઝારખંડના પ્રભારી છે. ચંપાઈ સોરેન ગઈકાલે રાત્રે કોલકાતાની એક હોટલમાં રોકાયા હતા અને આજે સવારની ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ તેમના અંગત સ્ટાફ સાથે સવારની ફ્લાઈટમાં દિલ્હી ગયા છે. એવી અટકળો છે કે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓને પણ મળી શકે છે.
જો ચંપાઈ સોરેન છ વિધાન સભ્ય સાથે પક્ષ બદલે તો આ વર્ષના અંત સુધીમાં ઝારખંડમાં યોજાનારી વિધાન સભાની ચૂંટણીમાં હેમંત સોરેનને મોટો ફટકો પડી શકે છે.
નોંધનીય છે કે જ્યારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ કરી જેલમાં નાખવામાં આવ્યા હતા, ત્યારે તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમને સ્થાને ચંપાઇ સોરેનને રાજ્યની ધૂરા સંભાળવા આપી હતી. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેમણે ફરીથી રાજ્યનું મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું.
એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે જો ચંપાઇ સોરેન ભાજપમાં જોડાય તો તેમના પુત્ર બાબુલાલ સોરેનને ઘાટશિલા અથવા પોટકાથી વિધાનસભા ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે. હાલમાં આ બંને બેઠકો પર ભાજપના વિધાન સભ્ય છે.