મુખ્તાર અન્સારીની મોત પર રાજકારણ શરૂ, વિપક્ષોએ કરી તપાસની માગ
યુપીની બાંદાની જેલમાં બંધ કુખ્યાત ડોન મુખ્તાર અન્સારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું છે. બાંદાની મેડિકલ કૉલેજે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. મુખ્તાર અન્સારીના મોત બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મઉ અને ગાઝીપુરમાં પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે. મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મેડિકલ કોલેજ અને બાંદા જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન અંસારીના મોતને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેડી), કોંગ્રેસથી લઈને એઆઈએમઆઈએ અન્સારીના મૃત્યુ અંગે સવાલો ઉઠાવ્યા છે.
આરજેડીના નેતા તેજસ્વી યાદવે અન્સારીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘થોડા દિવસો પહેલા તેણે ફરિયાદ કરી હતી કે તેને જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું, છતાં તેને ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું. આ બાબત ન્યાયી અને માનવીય નથી. બંધારણીય સંસ્થાઓએ આવી બાબતો પર જાતે જ સંજ્ઞાન લઇ કાર્યવાહી કરવી જોઇએ. AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીએ મુખ્તારના મૃત્યુને નિંદનીય અને ખેદજનક ગણાવ્યું હતું. ઓવૈસીએ અંસારીના ભાઈ દ્વારા કરવામાં આવેલા આરોપો પર ભાર મ મૂકતા તેમણે જણાવ્યું હતું કે ગાઝીપુરના લોકોએ તેમના પ્રિય પુત્ર અને ભાઈને ગુમાવ્યો છે. મુખ્તારે કહ્યું પણ હતું કે તેને જેલમાં slow poison આપવામાં આવી રહ્યું છે, પણ તેની વાત કાને ધરવામાં નહોતી આવી. આ બાબત ખરેખર નિંદનીય અને ખેદજનક છે.
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ અન્સારીના મોત પર સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે અન્સારીના પરિવાર દ્વારા જેલમાં તેમના મૃત્યુને લઈને સતત આશંકા અને ગંભીર આરોપો કરવામાં આવી રહ્યા છે. આ દાવાઓની ચકાસણી માટે ઉચ્ચ સ્તરીય તપાસની જરૂર છે, જેથી સત્ય બહાર આવી શકે. તેમના પરિવારજનો દુઃખી થાય તે સ્વાભાવિક છે. કુદરત તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા બિહારના ભૂતપૂર્વ સાંસદ પપ્પુ યાદવે અન્સારીના મૃત્યુને એક રાજકીય હત્યા ગણાવી હતી અને આ મામલે કોર્ટ દ્વારા તપાસની માંગ કરી હતી.