
નવી દિલ્હીઃ કૉંગ્રેસના નેતા અને લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ બન્નેની જંગી બહુમતી સાથે બેઠક જીતનારા રાહુલ ગાંધીએ પોતાના પરિવારની પરંપરાગત બેઠક પોતાની પાસે રાખવાનું અને કેરળના વાયનાડની બેઠક છોડવા નક્કી કર્યું છે. આ અંગે કૉંગ્રેસ અધ્યક્ષ મલિલ્કાર્જુન ખરગેએ દિલ્હી ખાતે જણાવ્યું હતું કે રાહુલ રાયબરેલીના સાંસદ રહેશે અને વાયનાડથી બહેન પ્રિયંકા ચૂંટણી લડશે. આ સાથે મલિલ્કાર્જુને પ્રિયંકાનું સૂત્ર લડકી હૂં લડ સકતી હૂં ની પણ યાદ અપાવી હતી.
એપ્રિલ-મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ગઈ બે ચૂંટણીઓ કરતા સારો દેખાવ કર્યો હતો અને કૉંગ્રેસે 99 બેઠક પર વિજય મેળવ્યો હતો. રાહુલે કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલીથી ચૂંટણી લડી હતી અને જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. નિયમ અનુસાર ઉમેદવાર બે બેઠક પરથી ચૂંટણી લડી શકે, પરંતુ જો બન્ને જીતે તો ક બેઠક છોડવી પડે છે. રાહુલે કેરળના વાયનાડની બેઠક છોડવાનો નિર્ણય લીધો છે અને હવે આ બેઠક પરથી પ્રિયંકા ચૂંટણી લડશે. આ બેઠક કૉંગ્રેસ માટે જીતવી સરળ માનવામાં આવતી હોવાથી પ્રિયંકા પણ લોકસભામાં જશે, તે લગભગ નક્કી થઈ ગયું છે. આ બેઠક પર છેલ્લી બે ટર્મથી રાહુલ ગાંધી ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે.