ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું, વિપક્ષોએ સરકાર કર્યા પ્રહાર

લખનઉ: અરુણ ગોયલે ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષોએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ગોયલના રાજીનામાને લઈ સીધો જ સવાલ કર્યો છે કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પર કોનું દબાણ છે? કોંગ્રેસે પૂછ્યું કે શું અરુણ ગોયલે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અથવા સરકાર સાથે કોઈ મતભેદને કારણે આ પગલું ભર્યું છે?
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પૂછ્યું કે શું ગોયલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું?, જેમ કે તેમણે તેમના રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પછી કોલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયની જેમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જો કે ગોયલના રાજીનામા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તેઓ આગામી દિવસોમાં શું કરે છે.
આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં આવું ઘણી વખત બન્યું છે, જ્યાંરે પણ સરકારનું દબાણ આવ્યું કે અધિકારીઓએ તેમની નોકરી છોડીને જવું પડ્યું, ઈલેક્શન કમિશન છોડવું પડ્યું. સીધો સવાલ એ ઊભો થાય છે કે આખરે બંધારણીય અને સ્વતંત્ર સંસ્થા ચૂંટણી પંચ પર કોનું દબાણ છે, તે પણ લોકસભાની ચૂંટણી પહેલા.’
IAS અધિકારી અરુણ ગોયલે 2024ની લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતના દિવસો પહેલા શનિવારે સાંજે ચૂંટણી કમિશનરના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો, જોકે તેમણે રાજીનામાનું કોઈ કારણ આપ્યું નથી.