Politics: ઇન્ડિયા ગઠબંધનને જોડી રાખવાના કોંગ્રેસના પ્રયાસો… નીતીશ કુમારને મળી શકે છે મોટી જવાબદારી
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઇન્ડિયા ગઠબંધન વચ્ચેના મતભેદો ખૂલીને સામે આવી રહ્યાં છે. વડા પ્રધાનના ચહેરાને લઇને ઇન્ડિયા ગઠબંધનમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં હવે ઇન્ડિયા ગઠબંધનથી નારાજ થઇ નીતીશ કુમારે છેડો ફાડવાની તૈયારી બતાવતા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઇ છે. અને નીતીશ કુમારને મનાવવાના પ્રયાસો કરી રહી છે. બની શકે છે કે આ ગઠબંધનને ટકાવી રાખવા અને ભાજપ સામે લડત આપવા ઇન્ડિયા ગઠબંધનમાં નીતીશ કુમારને કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવે.
લોકસભાની ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને વિપક્ષોએ મળીને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. જોકે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આ ગઠબંધન વચ્ચે મતભેદો પણ વધી રહ્યાં છે. સીટ શેરીંગને લઇને બધા પક્ષોની વચ્ચે મતભેદ હોવાના સમાચારો પણ આવી રહ્યાં છે. અને ત્યાર બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ નારાજ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થવા લાગી હતી. ઇન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં મલ્લિકાર્જુન ખરગે ને વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે પ્રસ્તાવીત કરવામાં આવ્યા હતાં. સૂ્ત્રોમાંથી મળતી જાણકારી મુજબ નીતીશ કુમાર આ વાતને લઇને નારાજ છે.
સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ નીતીશ કુમારને સંયોજક બનાવવા પર કોંગ્રેસ જલ્દી જ વિચાર કરી શકે છે. નવા વર્ષે નીતીશ કુમારને ઇન્ડિયા ગઠબંધનમાં મોટી જવાબદારી મળી શકે છે. નીતીશ કુમારે ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણના નિર્ણય પહેલાં જ જેડીયૂનો ઉમેદવાર જાહેર કરી દધો હતો.
સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ નીતીશ કુમારને મનાવવાના અને એમનો સંપર્ક સાધવાના પ્રયાસો ઝડપી થઇ ગયા છે. જેડીયૂની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં નીતીશ કુમારે કોંગ્રેસ પર નીશાનો સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસ એમના કામોની ચર્ચા પણ નથી કરતી. જાતી આધારીત વસ્તી ગણતરી અને અનામતના મુદ્દાની ચર્ચા અને પ્રસાર કોંગ્રેસ દ્વારા ન થતો હોવાથી પણ નીતીશ કુમાર નારાજ હતાં. ત્યારે હવે ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ ન પડે તે માટે નીતીશ કુમારને મનાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે.