ભારતના આ શહેરના મંદિરમાં દર્શન કર્યા બાદ રાજકારણીઓ રાત રોકાતા નથી, આ છે કારણ…
સત્તા સંઘર્ષ અને સત્તા મેળવવા માટે રમાતું રાજકારણ અને સત્તાના સમીકરણો હવે સર્વ સામાન્ય માણસોને પણ ખૂબ જ સરળતાથી સમજાઈ રહ્યા છે અને સરકારમાં આવવા માટે ખેલાતા દાવ-પેચ ખૂબ જ પેચીદા હોય છે. પણ આજે આપણે અહીં વાત કરીશું કે ભારતના એક એવા જાગૃત દેવસ્થાન વિશે કે જ્યાં કોઈ પણ રાજકારણીઓ રાતના સમયે રોકાવવાનું પસંદ નથી કરતાં.
આ પાછળ એવી માન્યતા છે કે અહીં રાત રોકાનારા રાજકારણીની સત્તા છીનવાઈ જાય છે. જોકે, આ દાવો કેટલો સાચો છે એના વિશે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ સત્તા ગુમાવી બેસવાના ડરને કારણે મોટા મોટા નેતાઓ અહીં રાત રોકાવવાનું ટાળે છે.
આ દેવસ્થાન વિશે જાણવા માટે આપણે પહોંચી જવું પડશે ઉજ્જૈનમાં આવેલા બાબા મહાકાલ મંદિર. દેશના ખૂણે-ખાંચરેથી લોકો આવે છે. અનેક બોલીવૂડ સેલેબ્સ, દિગ્ગજ કલાકારો, રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિતના અન્ય રાજકારણી બાબા મહાકાલના દર્શન કરવા માટે આવે છે. પણ આ શહેરમાં રાત રોકાતા નથી. છેલ્લાં કેટલાય વર્ષોથી આ જ પરંપરા ચાલવી આવી છે.
આ પાછળનું એક કારણ એવું છે કે બાબા મહાકાલને ઉજ્જૈન શહેરના રાજાધિરાજ માનવામાં આવે છે અને બાબા મહાકાલના શહેરમાં બે રાજા એક સાથે રહી શકતા નથી. જો એવું થાય તો સત્તા પર રહેલાં રાજકારણીના હાથમાંથી સત્તા જતી રહી છે, એવી માન્યતા છે.
ભારતના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈ ઉજ્જૈન આવ્યા હતા અને તેઓ અહીં રાત રોકાયા હતા. ત્યાર બાદ બીજા જ દિવસે તેમની સરકાર પડી ગઈ હતી. કર્ણાટકના યેદિયુરપ્પાએ પણ આ જ ભૂલનું પુનરાવર્તન કર્યું હતું અને ત્યાર બાદ 20 દિવસમાં તેઓ પદભ્રષ્ટ થઈ ગયા હતા.
ઉજ્જૈન શહેર એ રાજા વિક્રમાદિત્યના કાર્યકાળમાં રાજધાની હતી. રાજા ભોજના કાળથી જ આ માન્યતા ચાલી આવી છે અને ત્યારથી કોઈ પણ રાજા ઉજ્જૈનમાં રાતવાસો કરતાં નથી.
પૌરાણિક કથાની વાત કરીએ તો બાબા મહાકાલના મંદિરની સ્થાપના દ્વાપર યુગમાં કરવામાં આવી હતી. 800થી 1000 વર્ષ પ્રાચિન મંદિર હોવાની માન્યતા છે. પરંતુ 150 વર્ષ પહેલાં રાણોજી સિંધિયાના મુનિમ રામચંદ્ર બાબા શેણ બીએ મંદિરનું ફરી જિર્ણોદ્વાર કર્યું હતું. ત્યાર બાદ શ્રીનાથ મહારાજ મહાદજી શિંદે અને મહારાણી બાયજાબાઈ શિંદેએ સમય સમય પર આ મંદિરનું કામ કર્યું હતું અને તેમાં ફેરફારો કર્યા હતા.