યુપીમાં રાજકીય વિગ્રહઃ યોગીને હટાવવા મુદ્દે કોંગ્રેસના નેતાએ કર્યો ચોંકાવનારો દાવો
લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલી હાર બાદ યુપી ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું, એમ લાગે છે કે હારનું ઠિકરું મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર ફોડવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને તેમને યોગીને હટાવવાનો સંકેત આપવામાં આવ્યો છે. દિલ્હીથી કોણ આદેશ આપે છે એ તો ખબર નથી. અમિત શાહ અને જેપી નડ્ડા તેમના નાયબ મુખ્યપ્રધાન અને પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે હવે એવું લાગે છે કે ભાજપમાં પરસ્પર બુલડોઝર યુદ્ધ ચાલી રહ્યું છે, એવો આક્ષેપ કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કર્યો હતો.
14 જુલાઈ 2024ના રોજ લખનઊમાં બીજેપી વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, ત્યાર બાદથી ભાજપમાં રાજકીય ઉથલપાથલ વધી ગઇ છે. દરમિયાન એમ જાણવા મળ્યું છે કે મુખ્.ય પ્રધાન યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક આજે સાંજે દિલ્હી જવા રવાના થઇ ગયા છે.
આ પણ વાંચો : સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શું છે?
યુપીની રાજનીતિમાં મોટા બદલાવની અટકળો છે. સીએમ યોગી આદિત્યનાથ રાજ્યના વિવિધ વિભાગોના જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરી રહ્યા છે, જેમાં ડેપ્યુટી સીએમ હાજર નથી રહ્યા. આ પહેલા યોગીએ પ્રયાગરાજ ડિવિઝનમાં બેઠક યોજી હતી, જેમાં કેશવ પ્રસાદ મૌર્ય ઉપસ્થિત નહોતા. ત્યાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ મુરાદાબાદમાંબેઠકમાં હાજરી આપી નહોતી. આજે સીએમ યોગીએ લખનઊમાં બેઠક યોજી હતી, જેમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક હાજર ન હતા. જોકે, એ માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે તેો અંગત કામસર શહેરની બહાર હોવાથી મીટિંગમાં આવી શક્યા નહોતા.
દિલ્હીમાં યોગી આદિત્યનાથની પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સાથએ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે છે એ હવે જોવું રહ્યું .