બાંગ્લાદેશમાં રાજકીય સંકટઃ શેખ હસીનાને બ્રિટન-અમેરિકાના દરવાજા બંધ, જાણો કેમ?
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં પીએમ પદેથી રાજીનામું આપ્યા પછી શેખ હસીનાએ ભારતનું શરણું લીધું છે, પરંતુ હવે અમેરિકા અને બ્રિટનને એન્ટ્રી આપવાની મનાઈ કરી છે. શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી ભારતમાં આવ્યા પછી હવે આગામી 48 કલાકમાં ભારત છોડીને અન્ય દેશમાં જવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે લંડન જવાની અટકળો વચ્ચે બ્રિટને પોતાના દેશમાં એન્ટ્રી આપવાની મનાઈ કરી છે. બીજી બાજુ અમેરિકાએ પણ વિઝા રદ કરી દીધા છે.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની બ્રિટન જવાની યોજના મંગળવારે કેટલાક કારણોસર ટાળી દેવામાં આવી હતી. શેખ હસીના હાલમાં આગામી કેટલાક દિવસો સુધી ભારતમાં જ રહેશે. અગાઉ એવી અટકળો હતી કે દિલ્હી આવ્યા બાદ તે બ્રિટન જવા રવાના થશે. વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યાના કલાકો બાદ સોમવારે હિંડન એરબેઝ પર પહોંચેલા શેખ હસીનાને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને તેમને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. અમેરિકા, બ્રિટને મનાઈ કર્યા પછી હવે શેખ હસીના યુરોપના કોઈ દેશમાં જઈ શકે છે. અન્ય દેશો સાથે વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે અમુક સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ રશિયા જઈ શકે છે.
આ પણ વાંચો : Bangladeshમાં રાજકીય સંકટ પર ભારતની નજર, મોદી સરકાર સામે ઉભા થયા નવા પડકારો
રશિયા અને ફિનલેન્ડ સાથે વાટાઘાટો
હાલના તબક્કે શેખ હસીનાને સુરક્ષિત રીતે ખસેડવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ભારત પહોંચ્યા પછી ફિનલેન્ડ અને રશિયા જેવા દેશમાં રહેવા અંગે વાતચીત ચાલી રહી છે. જોકે, તેમની સુરક્ષિત રહેવાની વ્યવસ્થા વચ્ચે હજુ સુધી કોઈ મુસ્લિમ રાષ્ટ્રમાં રહેવા અંગેની કોઈ રજૂઆત અંગે સોશિયલ મીડિયા પર સવાલો કરવામાં આવ્યા હતા.
બહેન રેહાનાના ઘરે અસ્થાયી શરણું મુશ્કેલીમાં
સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના તેમની બહેન રેહાના સાથે અસ્થાયી શરણ માટે ભારતથી લંડન જવાના હતા, પરંતુ હવે તેઓ અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. કારણ કે બ્રિટિશ સરકારે સંકેત આપ્યો છે કે વર્તમાન સંજોગોમાં તેમને બ્રિટનમાં કાનૂની રક્ષણ મળી શકશે નહીં. બ્રિટનમાં રાજકીય શરણના રિપોર્ટ પર બ્રિટન સરકારે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. ગૃહ મંત્રાલયના સૂત્રોએ માત્ર એટલા સંકેત આપ્યા હતા કે દેશના ઇમિગ્રેશન નિયમો ખાસ કરીને વ્યક્તિઓને આશ્રય મેળવવા માટે બ્રિટન આવવાની મંજૂરી આપતા નથી. બ્રિટનના વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ સોમવારે લંડનમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં મોટા પાયે હિંસા અને સંપત્તિનું નુકસાન જોવા મળ્યું છે.
સોમવારે લંડન જવાની યોજના હતી પણ
દેશના લોકો સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસને પાત્ર છે. સોમવારે અવામી લીગના નેતા શેખ હસીનાએ ભારત થઈને લંડન જવાની યોજના બનાવી હતી અને હિંડન એરબેઝ પહોંચતા પહેલા તેમના સહયોગીઓએ આ અંગે ભારતીય અધિકારીઓને જાણ કરી હતી. હસીનાએ લંડન જવાનો નિર્ણય કર્યો હતો કારણ કે રેહાનાની પુત્રી ટ્યૂલિપ સિદ્દિક બ્રિટિશ સંસદની સભ્ય છે. ટ્યૂલિપ નાણા મંત્રાલયમાં આર્થિક સચિવ છે અને હેમ્પસ્ટેડ અને હાઈગેટથી લેબર પાર્ટીની સાંસદ છે.