નેશનલ

એમપીમાં ટોળાના હુમલામાં પોલીસનું મોતઃ ગુનેગારો સામે કડક કાર્યવાહીનો સીએમનો આદેશ

ભોપાલઃ મધ્ય પ્રદેશ (એમપી)ના મૌગંજ જિલ્લામાં એક વ્યક્તિને બચાવવા ગયેલા એએસઆઇના મૃત્યુના એક દિવસ બાદ રાજ્યના મુખ્ય પ્રધાન મોહન યાદવે રવિવારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિપક્ષ કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા હતા. એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે શનિવારે આદિવાસીઓના એક જૂથે કથિત રીતે એક વ્યક્તિનું અપહરણ કરીને હત્યા કરી હતી અને પછી તેને બચાવવાનો પ્રયાસ કરતી પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. જેના પરિણામે મૌગંજમાં એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર(એએસઆઇ)નું મૃત્યુ થયું હતું.

શનિવારે કોલ જનજાતિના સભ્યોના એક જૂથે સની દ્વિવેદી નામના એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું. તેમને શંકા હતી કે તેણે થોડા મહિના પહેલા એક આદિવાસી અશોક કુમારની હત્યા કરી હતી.

સૂત્રો અનુસાર પોલીસ રેકોર્ડ મુજબ કુમારનું મૃત્યુ એક માર્ગ અકસ્માતમાં થયું હતું. માહિતી મળ્યા બાદ પોલીસની એક ટીમ દ્વિવેદીને બચાવવા માટે ગદરા ગામમાં પહોંચી હતી. પરંતુ પોલીસે જણાવ્યું કે ત્યાં સુધીમાં તેનું એક રૂમમાં કથિત રીતે માર મારવામાં આવ્યા બાદ મૃત્યુ થઇ ગયું હતું.

આ પણ વાંચો…મહારાણા પ્રતાપથી રાઠોડ વંશ સુધી…રાજસ્થાનના આ પાંચ રાજવી પરિવારોની સંપત્તિ આજે કરોડોમાં છે, જાણો ભવ્ય ઈતિહાસ

જ્યારે પોલીસકર્મીઓએ રૂમ ખોલ્યો ત્યારે આદિવાસીઓના એક જૂથે તેમના પર લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમાં કેટલાકને ઇજા પહોંચી હતી. ઘાયલ પોલીસકર્મીઓ અને અધિકારીઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે સ્પેશિયલ આર્મ્ડ ફોર્સના એએસઆઇ રામચરણ ગૌતમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

મુખ્ય પ્રધાન યાદવે જણાવ્યું કે મૌગંજમાં ગઇકાલે જે બન્યું તે દુઃખદ છે. એક એસઆઇએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને મેં વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે.

મને આશા છે કે ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઇ જશે. ગૃહ વિભાગનો હવાલો સંભાળતા યાદવે એક પોસ્ટમાં જણાવ્યું કે તેમણે આ પ્રકારની અમાનવીય અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button