
ભોપાલ: સામાન્ય રીતે ગુનેગારો પર પોલીસની કાર્યવાહીનાં સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ પણ છેલ્લા ચારેક દિવસોમાં બિહાર અને મધ્ય પ્રદેશની પોલીસ પરનાં હુમલોની ઘટનાએ પોલીસની સુરક્ષા પર જ સવાલ ખડા કરી દીધા છે. બિહારના અરરિયા અને મુંગેરમાં હુમલા બાદ મધ્યપ્રદેશના મઉગંજમાં પોલીસ ટીમો પર હુમલો થયો, જેમાં એક ASI સહિત હુમલાની ઘટનાઓમાં કુલ 3 પોલીસકર્મીનાં મોત થઈ ચૂક્યા છે. ગુનેગારોને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો અરરિયા, મુંગેર અને મઉગંજ ગઈ હતી, પરંતુ ત્રણેય જગ્યાએ પોલીસ ટીમો પર હુમલો થયો અને પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા.
Also read : Amritsar: ઠાકુરદ્વારા મંદિર પર થયેલા હુમલા મુદ્દે મુખ્ય પ્રધાને આપ્યું નિવેદન
3 પોલીસકર્મીનાં મોત
છેલ્લા ચાર દિવસમાં પોલીસ પર થયેલા હુમલાની ઘટનાઓથી એ લાગી રહ્યું છે કે ગુનેગારો જાણે બેફામ બની ગયા છે અને જાણે કાયદાનો કોઇ ડર જ નથી રહ્યો. જો કે તેઓ એટલા બેખૌફ બની ગયા છે કે હવે તો પોલીસની ટીમ પર જ હુમલાઓ કરી રહ્યા છે. ત્રણ દિવસ પૂર્વે બિહારનાં અરરિયામાં ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો જેમાં એક એએસઆઈનું મોત થયું હતું, ત્યારબાદ મુંગેરમાં વધુ એક એએસઆઈની હત્યા કરવામાં આવી હતી. અને હવે મધ્ય પ્રદેશનાં રીવા જિલ્લામાં પોલીસ ટીમ પર હુમલો થયો છે. આ હુમલાની ઘટનાઓમાં 3 પોલીસકર્મીનાં મોત થઈ ચૂક્યા છે.
હુમલાઓ મુદ્દે બિહારમાં રાજકારણ ગરમાયું
આ મુદે પણ બિહારમાં રાજકારણ કરવામાં આવી રહ્યું છે અને આરજેડીએ નીતીશ સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યા છે, તો સત્તાધારી ભાજપને આ હુમલાઓ પાછળ વિરોધ પક્ષનું કાવતરું નજરે પડે છે. સવાલ એ છે કે આ ખૂની ખેલ ક્યારે અટકશે. કયા સુધી સત્તારૂઢ નેતાઓ માટે ગુના એ ફક્ત આંકડાકીય મહત્ત્વ ધરાવશે. આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આવામાં દરેક ક્રાઈમ નીતીશ સરકાર માટે માથાનો દુખાવો બનતો જાય છે.
Also read : બિહારમાં પોલીસ પણ સલામત નથી, ત્રણ દિવસમાં બીજા એએસઆઈની હત્યા…
રીવા જિલ્લામાં હુમલો
આ દરમિયાન શનિવારે મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાં કથિત રીતે અપહરણ કરાયેલા વ્યક્તિને બચાવવા ગયેલી પોલીસ ટીમ પર એક જૂથે હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીની હત્યા કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે ટોળાએ અપહરણ કરાયેલ વ્યક્તિની પણ હત્યા કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિમી દૂર ગદરા ગામમાં બની હતી અને પોલીસે આ ઘટનાના સંદર્ભમાં પાંચ લોકોની અટકાયત કરી છે.