આને શ્રદ્ધા કહેવાય કે… : ભાગી ગયેલી મહિલા કેદીને શોધવા પોલીસ પહોંચી બાગેશ્વર બાબાના ચરણે
ભોપાલઃ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગાડા ગામમાં આવેલું બાગેશ્વર ધામ અને તેના ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશાં ચર્ચામાં રહે છે. એક બહુ મોટો વર્ગ તેમના પરચામાં માને છે અને તેમને શ્રદ્ધાથી જૂએ છે. શ્રદ્ધા દરેકની વ્યક્તિગત બાબત છે, પરંતુ તમે જે વ્યવસાય સાથે જોડાયેલા હોય તેની જવાબદારી પણ તમારા પર હોય છે અને જવાબદારીનું ભાન ઘણીવાર માણસો ભૂલી જાય છે. આવું જ કંઈક મધ્ય પ્રદેશમાં થયું છે. અહીં બાગેશ્વર ધામમા મહિલા કોન્સ્ટેબલે બાબા સામે આજીજી કરી હતી કે તેમની નિગરાની નીચેથી એક મહિલા કેદી ભાગી ગઈ છે તો તેને શોધવામાં બાબા મદદ કરે. કટની ખાતે આવેલ બાબા બાગેશ્વરના દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા અને સમસ્યાના નિરાકરણ માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. બાબા બાગેશ્વર દરબાર પૂર્ણ થયા પછી લોકોને મળી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ યુનિફોર્મમાં બાબા સામે હાથ જોડીને પોલીસ કસ્ટડીમાંથી ફરાર મહિલા આરોપી દિલ્લગીને શોધવા વિનંતી કરતી હતી. મહિલા પોલિસકર્મીએ કહ્યું કે મહારાજ દિલ્લગી ભાગી ગઈ છે. લેડી કોન્સ્ટેબલની આ આજીજી સાંભળીને બાબા બાગેશ્વર જોર જોરથી હસવા લાગ્યા. ત્યારબાદ ત્યાં હાજર અન્ય મહિલા ઈન્સપેક્ટરે તેમને જણાવ્યું કે ગાંજા તસ્કરીના કેસમાં દિલ્લગી પારઘીની ધરપકડ કરાઈ હતી. તે આરોપી જિલ્લા હોસ્પિટલમાંથી ભાગી ગઈ છે.
માળતી માહીતી મુજબ મધ્યપ્રદેશ પોલીસ દિલ્લગીને તેના બાળકની સારવાર માટે કસ્ટડીમાંથી હોસ્પિટલમાં લાવી હતી, પરંતુ તે વચ્ચે તે પોલીસને ચકમો આપીને ભાગી ગઈ હતી. મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે આરોપીને શોધવા માટે 10,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.