યુનિફોર્મ ઉતારી નાખવાની ધમકી પછી પોલીસે એવું કંઈ કર્યું કે વીડિયો થયો વાઈરલ

મધ્યપ્રદેશના ઉર્જાધાની સિંગરૌલી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. વાયરલ વીડિયોમાં એક એએસઆઇ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સામે પોતાનો યુનિફોર્મ ઉતારતો જોવા મળે છે. આ ઘટના જોઈને દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો બીજી ફેબ્રુઆરી ૨૦૨૪નો એટલે કે સાત મહિના જૂનો હોવાનું કહેવાય છે.
વાસ્તવમાં, ૭ મહિના પહેલા કોતવાલી પોલીસ સ્ટેશનના એએસઆઈ વિનોદ મિશ્રા અને સ્થાનિક લોકો વચ્ચે વિસ્તારમાં ગટરના બાંધકામને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ પછી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું અને મામલાને ઉકેલવા માટે કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
વિવાદ ઉકેલવા માટે પોલીસ સ્ટેશનમાં ચર્ચા ચાલી રહી હતી, જે દરમિયાન ભાજપના નેતા અર્જુન ગુપ્તાએ એએસઆઈ વિનોદ મિશ્રાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તારો યુનિફોર્મ ઉતારાવી દઈશ. જેના કારણે એસઆઈને ગુસ્સો આવ્યો અને બધાની સામે પોતાનો યુનિફોર્મ ઉતારી દીધો. આ ઘટના પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : મધ્યપ્રદેશનો આઘાતજનક બનાવ: સેનાના બે અધિકારીઓ પર હુમલો, તેમની મહિલા મિત્ર પર બળાત્કાર
ઘટના બાદ એસપી નિવેદિતા ગુપ્તાએ પોલીસ સ્ટેશનના એએસઆઈ વિનોદ મિશ્રા સામે યુનિફોર્મ ફાડવાના મામલે કાર્યવાહી કરી હતી, પરંતુ હવે ૭ મહિના બાદ આ મામલાએ ફરી એકવાર જોર પકડ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એસપી નિવેદિતા ગુપ્તાએ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ લીક કરવા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મામલે તપાસ કરવાની સૂચના આપી છે. વીડિયો વાયરલ થયા બાદ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. એમપી કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે “આ છે સત્તાનો ઘમંડ, જુઓ ભાજપના કોર્પોરેટરની ધમકી, યુનિફોર્મવાળાએ યુનિફોર્મ ફાડવો પડ્યો!!”