નેશનલ

ઓસ્ટિનમાં સામસામા ગોળીબારમાં પોલીસ અધિકારી અને આરોપીનાં મોત

ઓસ્ટિન (ટેક્સાસ): અહીંના એક ઘરમાં પોલીસ અને આરોપી વચ્ચેના સામસામા ગોળીબારમાં ટેક્સાસના પોલીસ અધિકારીનું મૃત્યું થયું હતું, જ્યારે આરોપી ઠાર મરાયો હતો. આ ઘરમાં બે અન્ય વ્યક્તિના મૃતદેહ પણ મળી આવ્યા હતા તેવી માહિતી પોલીસ વડા રોબિન હેન્ડરસને આપી હતી. શનિવારે મળસ્કે ૩.૦૦ કલાકે એક મહિલાનો પોલીસની મદદ માટે ફોન આવ્યો હતો. પોલીસ પહોંચે તે અગાઉ એક આરોપી ઘરમાંથી ભાગી ગયો હતો, જ્યારે બીજા આરોપી પાસે ચપ્પુ હતું તેવું મહિલાએ કહ્યું હતું. પોલીસે ઘરમાં પ્રવેશ કરતા તેમની પર ગોળીબાર થયો હતો. આથી તેઓ બહાર આવ્યા હતા અને સ્પેશિયલ વેપન્સ ઍન્ડ ટેકટિક્સ (એસડબ્લ્યુએટી) તરીકે ઓળખાતા વિશેષ પોલીસ દળની મદદ માગી હતી. જેવા એસડબ્લ્યુએટીના અધિકારીઓએ ઘરમાં પ્રવેશ કર્યો હતો તેમના પર ગોળીબાર થયો હતો. પોલીસ દળે સામો ગોળીબાર કર્યો હતો. સામસામા ગોળીબારમાં બે પોલીસ અધિકારી અને આરોપીને ગોળી વાગી હતી, જેમાં આરોપીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બંને પોલીસ અધિકારીને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક અધિકારીનું મોત થયું હતું, જ્યારે બીજાની હાલત સ્થિર છે તેવું હેન્ડરસને કહ્યું હતું.
આરોપીના હુમલાનો ભોગ બનેલા બે વ્યક્તિના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસ દળની વધુ તપાસ ચાલી રહી છે, તેવું હેન્ડરસને જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button