મધ્ય પ્રદેશના સિવાનીમાં પોલીસ જવાનની હત્યા, પીછો કરવા પર આરોપીઓએ મારી ગોળી
સિવાની: મધ્ય પ્રદેશના સિવાનીમાં બદમાશોનો પીછો કરવાના કારણે હેડ કોન્સ્ટેબલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે કોન્સ્ટેબલ બદમાશોનો પીછો કરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને ગોળી મારી દીધી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ રાકેશ ઠાકુરનું નાગપુરની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમણે જણાવ્યું કે ચોરીના કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસકર્મીઓની એક ટીમ ગુરુવારે રાત્રે એસયુવીમાં છિંદવાડા તરફ ભાગી રહેલા બદમાશોનો પીછો કરી રહી હતી. અધિકારીએ કહ્યું હતું કે લખનવાડા રોડ પર પોલીસને જોઇને બદમાશો તેમનું વાહન સિવાની શહેર તરફ લઇ ગયા અને બમહોડી પાસે રોકાઈ અને છૂપાઈ ગયા હતા. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ રાકેશ ઠાકુરના નેતૃત્વમાં એક ટીમે તેમને જોયા હતા.
તેમણે કહ્યું કે પોલીસને નજીક આવતી જોઈને ચારમાંથી એક આરોપીએ પોતાની પિસ્તોલ કાઢી પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું જેમાં એક ગોળી ઠાકુરની છાતી પર વાગી હતી જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અધિકારીએ જણાવ્યું કે ત્રણ આરોપીઓ સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા, જ્યારે પોલીસકર્મી પર ફાયરિંગ કરનાર વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો હતો.
ઘાયલ હેડ કોન્સ્ટેબલને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં નાગપુર રિફર કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. સિવાનીના એસપી રાકેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન હાર્ટ અટેકના કારણે મોત થયું છે.