નવી દિલ્હી: મેટાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ જાણે સામાન્ય જીવનનો એક ભાગ બની ગયો છે, લગભગ દરેક સ્માર્ટફોન યુઝર વોટ્સએપ વાપરે છે. પોલીસ પણ આરોપીઓને વોટ્સએપ પર નોટીસ (Police notice)ની PDF ફાઈલ મોકલે છે. એવામાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) પોલીસને ખાસ નિર્દેશ કર્યો છે. કોર્ટે કેટલીક કલમો હેઠળ નોંધાયેલા ગુના માટે વોટ્સએપ પર અરેસ્ટ પહેલાની નોટીસ મોકલવા પર પ્રતિબંધ મુક્યો છે.
આ કલમો હેઠળ નિર્દેશ:
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 41A અને કલમ 35 હેઠળ કોગ્નિઝેબલ ઓફેન્સના કોઈપણ આરોપીને વોટ્સએપ અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા અરેસ્ટ નોટિસ મોકલવી જોઈએ નહીં.
BNNS ની બંને કલમોમાં એવી જોગવાઈ છે કે કેસના તપાસ અધિકારી પહેલા આરોપી સામે હાજર થવા માટે નોટિસ પાઠવશે. જો તે પોલીસ અધિકારી સમક્ષ હાજર થાય અને તપાસમાં સહકાર આપે, તો તેની ધરપકડ કરવામાં આવશે નહીં.
વિપક્ષી નેતાઓનો આરોપ:
ઉલ્લેખનીય છે કે વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ કલમ 41A હેઠળ નોટિસ પાઠવ્યા વિના લોકોની ધરપકડ કરીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે. કોર્ટ મિત્ર વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાના સૂચનને સ્વીકારીને, જસ્ટિસ એમએમ સુંદરેશ અને રાજેશ બિંદલની બેન્ચે નિર્દેશ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના પોલીસ તંત્રને BNSS 2023 દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર જ નોટિસ જાહેર કરવાનો આદેશ આપવો જોઈએ.
આ પણ વાંચો…ટ્રમ્પે વડા પ્રધાન મોદીને આપ્યું આમંત્રણ; ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે કહી આ વાત…
કોર્ટના નિર્દેશ:
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે વોટ્સએપ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મોકલવામાં આવેલી નોટિસ BNSS 2023 દ્વારા નિર્ધારિત ધોરણો મુજબ નથી. લુથરાએ આ મામલે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. જેમાં સુપ્રીમ કોર્ટે પોલીસને CrPC ની કલમ 41A નું પાલન કર્યા વિના વ્યક્તિની ધરપકડ કરવાથી રોકી દીધી હતી. આ વ્યક્તિએ એવો ગુનો કર્યો હતો જેના માટે તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકી હોત.