બેંગલૂરુ બ્લાસ્ટ બિઝનેસમાં દુશ્મનાવટના દૃષ્ટિકોણથી પોલીસ તપાસ કરી રહી છે: ગૃહ પ્રધાન
બેંગલૂરુ: કૅફે બ્લાસ્ટ કેસને મામલે પોલીસ બિઝનેસમાં દુશ્મનાવટ સહિતના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે, એમ કર્ણાટકના મુખ્ય પ્રધાન ડૉ. જી. પરમેશ્ર્વરાએ રવિવારે કહ્યું હતું.
રાજ્યમાં સ્થિર સરકાર સ્થપાય, બિઝનેસમાં દુશ્મનાવટ, રોકાણકારોમાં ભય ફેલાવવા તેમ જ આવી રહેલી લોકસભાની ચૂંટણી સહિતના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું. શુક્રવારે પૂર્વ બેંગલૂરુમાં બ્રૂકફિલ્ટસ્થિત રામેશ્ર્વરમ કૅફે ખાતે વિસ્ફોટ થયો હતો. ટોપી, માસ્ક અને સનગ્લાસ પહેરેલી મુખ્ય શંકાસ્પદ વ્યક્તિના સગડ હજુ
પણ મળી શક્યા નથી.
કેસનો ઝડપી ઉકેલ લાવવા આઠ તપાસ ટુકડી કામ કરી રહી છે અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તેમ જ ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) જેવી એજન્સીઓ તપાસમાં તેમની મદદ કરી રહી છે.
બેંગલૂરુ અસુરક્ષિત શહેર હોવાનો ભય લોકોમાં ફેલાવવા અને આવનારી લોકસભાની ચૂંટણીને લઈને આ વિસ્ફોટ કરવામાં આવ્યો હોઈ શકે છે એ બાબતને ધ્યાનમાં રાખીને પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
કર્ણાટકમાં સ્થિર સરકાર હોવાને કારણે અનેક રોકાણકારો રાજ્યમાં આવી રહ્યા હોવા વચ્ચે તેમનામાં અસુરક્ષિતતાની લાગણી ફેલાવવા પણ આ વિસ્ફોટ કરવામાં આવ્યો હોઈ શકે છે.
લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની તેમ જ મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન તેમ જ પોલીસ દ્વારા કરવામાં આવેલા નિવેદન પર જ ભરોસો કરવાની તેમણે લોકોને વિનંતી કરી હતી. (એજન્સી)