પીઓકે આપણું છે અને અમે લઈને રહીશું: અમિત શાહ
શિમલા: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતનો અવિભાજ્ય અંગ છે અને અમે તેને પાછું લઈશું એમ દેશના ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ભારપૂર્વક કહ્યું હતું. કૉંગ્રેસ દ્વારા પાકિસ્તાન પાસે અણુ બોમ્બ હોવાથી તેમનાથી ડરીને રહેવાની ભાજપને આપવામાં આવેલી સલાહ માટે તેમણે કૉંગ્રેસની નિંદા કરી હતી.
ભારતીય જવાનોના શહેર તરીકે ઓળખાતા હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના અમ્બ ગામ ખાતે તેમણે રાજ્યમાં ભાજપની સરકાર સ્થાપિત કરવા માટે વિધાનસભાની છએ છ બેઠક પર ભાજપનો જ્વલંત વિજય કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મજબૂત સરકાર જ આતંકવાદનો સામનો કરી શકે છે, આર્થિક વિકાસ સુનિશ્ર્ચિત કરી શકે છે અને ગરીબોનું ધ્યાન રાખી શકે છે.
કૉંગ્રેસના લોકો અમને ગભરાવવાનો પ્રયાસ કરતાં કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે અણુ બોમ્બ છે. આજે હું હિમાચલ પ્રદેશમાંથી એલાન કરું છું કે પીઓકે અમારું છે, અમારું રહેશે અને અમે તેને લઈને રહીશું, એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે 2019માં જ્યારે કલમ 370 રદ કરવામાં આવી હતી ત્યારે પણ કૉંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે લોહીની નદીઓ વહેશે, પરંતુ હવે જમ્મુ અને કાશ્મીરમાં એક પણ પથ્થર ફેંકવામાં આવ્યો નથી.
કૉંગ્રેસના કાર્યકાળમાં પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરી કરતું હતું અને બોમ્બ બ્લાસ્ટ કરીને આતંકવાદીઓ પાછા પાકિસ્તાનમાં જતા રહેતા હતા. મોદી સરકારમાં આ બધું જ બદલાઈ ગયું છે. હવે એ સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓને તેમના ઘરમાં સાફ કરી નાખ્યા છે. જેને પગલે હવે આવી પદ્ધતિઓ અપનાવવામાં આવતી નથી. ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતા જ આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભાજપના છ ઉમેદવારોને વિધાનસભામાં વિજયી બનાવો અને હિમાચલ પ્રદેશમાં કમળ ખિલતું જુઓ. (પીટીઆઈ)