POKમાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શનઃ હિંસામાં એકનું મોત, ૧૦૦ ઘાયલ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)માં સતત બીજા દિવસે મોંઘવારી અને વીજળીના ઉંચા દરો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા. આ દરમિયાન શનિવારે પોલીસ અને પીઓકેના રાજકીય-ધાર્મિક સંગઠન આવામી એક્શન કમિટી (એએસી) વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે ૧૦૦ જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગે પોલીસકર્મીઓ હતા, એમ સ્થાનિક મીડિયાએ આજે જણાવ્યું હતું.
મીડિાયના અહેવાલ અનુસાર આ વિવાદિત પ્રદેશમાં શનિવારે પોલીસ અને અધિકાર ચળવળના કાર્યકરો વચ્ચે સમગ્ર વિસ્તારમાં ચક્કા જામ અને શટર-ડાઉન હડતાલ વચ્ચે અથડામણ જોવા મળી હતી.
મીરપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) કામરાન અલીના જણાવ્યા અનુસાર સબ-ઇન્સ્પેક્ટર અદનાન કુરેશીનું ઇસ્લામગઢ શહેરમાં છાતીમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. જ્યાં તેઓ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે એક રેલીને રોકવા માટે તૈનાત હતા.
જમ્મુ કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી (જેએએસી), વીજળી બીલ પર લાદવામાં આવેલા અન્યાયી કર સામે વિરોધ કરી રહી છે. તે ઓગસ્ટ ૨૦૨૩માં પણ ટેક્સને લઇને હડતાળ પર ઉતરી ગઇ હતી.
તેમની માંગ છે કે લોકોને હાઇડ્રોપાવરના ઉત્પાદન ખર્ચ પ્રમાણે વીજળી આપવામાં આવે. સમિતિએ શુક્રવારે શટર-ડાઉન અને ચક્કા-જામ હડતાલની જાહેરાત કરી હતી. શુક્રવારે હડતાલ વચ્ચે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી.
જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર અથડામણમાં કુલ ૨૯ વિરોધીઓ ઘાયલ થયા છે. જેએએસીના પ્રવક્તા હાફીઝ હમદાનીએ કહ્યું કે એક્શન કમિટીને હિંસા સાથે કોઇ લેવાદેવા નથી. કોટલી એસએસપી મીર મુહમ્મદ આબિદે જણાવ્યું હતું કે વિરોધની આડમાં બદમાશોના હુમલામાં જિલ્લામાં ઓછામાં ઓછા ૭૮ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
પીઓકેના કહેવાતા વડા પ્રધાન ચૌધરી અનવારુલ હકે જણાવ્યું હતું કે મીરપુરમાં હિંસક વિરોધ પ્રદર્શનમાં એક અધિકારીના મોત અને ૭૦થી વધુ લોકો ઘાયલ થયા બાદ સરકાર વીજળી અને ઘઉંના લોટના ભાવમાં સંબંધિત રાહત આપવા તૈયાર છે.