PMO નજર રાખી રહ્યું છે, ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે’
ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ પર કેન્દ્રીય પ્રધાનનું નિવેદન
નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે, આવી સ્થિતિમાં વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ઈઝરાયેલમાં હાજર ભારતીયોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ રવિવારે કહ્યું હતું કે હમાસ હુમલાને પગલે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું હતું કે શનિવારે રાત્રે તેને ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયો વિશે ઘણા સંદેશા મળ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલય પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યું છે. ‘ભારત સરકાર ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન અને તેમની ઓફિસ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ત્યાં ફસાયેલા આપણા વિદ્યાર્થીઓને પરત લાવવાના મોટા પ્રયાસો ચાલુ છે.
તેમણે કહ્યું કે સરકારે હંમેશા કટોકટીનો સામનો કરીને વિદેશમાંથી તેના નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે, ‘ઓપરેશન ગંગા હોય કે વંદે ભારત, અમે બધાને પાછા લાવ્યા છીએ અને મને ખાતરી છે કે સરકાર અને વડાપ્રધાન કાર્યાલય તે લોકોના સીધા સંપર્કમાં છે. તેઓ કામ કરી રહ્યા છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.’ ઇઝરાયેલમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ટાંકીને મીડિયા અહેવાલો બાદ તેમની ટિપ્પણી આવી છે કે તેઓ ડરી ગયા છે. ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપરાંત, મેઘાલયના 27 લોકો, જેઓ તીર્થયાત્રા માટે જેરુસલેમ ગયા હતા, તેઓ બેથલહેમમાં ફસાયેલા છે. અગાઉ, વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રહેવા અને મદદ માટે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા વિનંતી કરી હતી. ભારતીય દૂતાવાસની વેબસાઇટ અનુસાર, ઇઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીય નાગરિકો છે. તેમાંના મોટા ભાગના ઇઝરાયલી વડીલો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કેરટેકર્સ છે. આ ઉપરાંત હીરાના વેપારીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે.
આતંકવાદી પેલેસ્ટિનિયનોએ ગાઝા પટ્ટીથી યહૂદી રાજ્ય ઈઝરાયેલ તરફ મિસાઈલોનો મારો કર્યો હતો. આ હુમલામાં લગભગ 300 ઇઝરાયલી નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 1,000 થી વધુ ઘાયલ થયા હતા. ઇઝરાયેલની જવાબી કાર્યવાહીમાં 230 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 1,500 થી વધુ ઘાયલ થયા. હમાસે અહેવાલ મુજબ પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. હુમલાથી ચોંકી ઉઠેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જૂથનું નામોનિશાન મિટાવી દેવાની પ્રતિજ્ઞા લીધી છે.