નેશનલ

34 લાખ ગુજરાતી PMJYનું વાર્ષિક 436 રૂપિયા પ્રીમિયમ ના ભરી શકતાં પોલિસી બંધ

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતને લઈ ચોંકાવનારી વિગત સામે આવી હતી. 34 લાખ ગુજરાતી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનું વાર્ષિક 436 રૂપિયા પ્રીમિયર ભરી ન શકતાં પોલિસી બંધ થઈ ગઈ હતી. આ યોજનામાં માત્ર રૂ.436ના પ્રીમિયમમાં 2 લાખનું જીવન કવર આપવામાં આવે છે. વીમાધારકના અવસાનના કેસમાં તેમના નોમિની અથવા વારસદારને આ રકમ ચૂકવાય છે. લોકસભામાં આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓ અંગે પૂછાયેલા એક તારાંકિત પ્રશ્નના જવાબમાં આ માહિતી સામે આવી હતી.

ઓટો ડેબિટ સમયે બેંક ખાતામાં નહોતી પૂરતી રકમ

આંકડા મુજબ, ગુજરાતમાં 2021માં 5,52,830, 2022માં 5,12,642, 2023માં 6,66,865, 2024માં 9,47,599, 2025માં 9,22,865 પોલિસી બંધ થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કુલ 34 લાખથી વધુ પોલિસી બંધ થઈ છે. મોટાભાગે પ્રીમિયમના ઓટો ડેબિટ સમયે બેંક ખાતામાં પૂરતી રકમ ન હોવાના કારણે આ પોલિસી બંધ થઈ હતી.

નવા વીમાદારોની સંખ્યા વધી

આટલી મોટી સંખ્યામાં પોલિસી બંધ થવા છતાં રાજ્યમાં ઓછી કિંમતની વીમા યોજનાના નવા વીમાદારોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં આવરી લેવાયેલા લાભાર્થીઓની સંખ્યા મે 2021માં 36.41 લાખથી વધીને 7 જાન્યુઆરી, 2026 સુધીમાં 1.04 કરોડ થઈ છે. જોકે જાન્યુઆરી 2026 સુધીમાં એક્ટિવ પોલિસીની સંખ્યા 55.32 લાખ હતી. જેના પરથી વીમો ઉતરાવનારા લોકોમાંથી મોટી સંખ્યામાં લોકો પોલિસીનું પ્રીમિયમ ભરી શકતા નથી તે સાબિત થાય છે.

આ ઉપરાંત દાવા નિવારણના આંકડાઓ મુજબ, રાજ્યમાં 7 જાન્યુઆરી 2026 સુધીમાં 62,920 દાવા પ્રાપ્ત હતા, જે પૈકી 58,174 દાવાનું નિવારણ કરવામાં આવ્યું હતું. 1670 દાવાઓ નામંજૂર થયા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button