ભારતના બે એવા વડાપ્રધાન જેમણે ક્યારેય લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો નથી, જાણો કોણ છે અને શું છે કારણ

15મી ઓગસ્ટ દરેક ભારતીય માટે ગૌરવ લેવા જેવો દિવસ છે, કારણ કે આ જ દિવસે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. દર વર્ષે દિલ્હીના લાલ કિલ્લા પર દેશના વડા પ્રધાન તિરંગો લહેરાવીને દેશને સંબોધિત કરે છે. 1947થી 2025 સુધી આ જ પરંપરા રહી છે. પરંતુ શું તમને ખબર છે કે દેશના બે વડા પ્રધાન એવા પણ છે કે જેમને ક્યારેય આ સૌભાગ્ય સાંપડ્યું નથી?? ચાલો તમને જણાવીએ આ પાછળની આખી ઈનસાઈડ સ્ટોરી…
વાત જાણે એમ છે દેશ આઝાદ થયો ત્યારથી એવી પરંપરા રહી છે કે 15મી ઓગસ્ટના દિવસે દેશના વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કરે છે. પણ દેશના ઇતિહાસમાં બે વડા પ્રધાન એવા પણ છે કે જેમણે આ પરંપરા નથી નિભાવી કે તેમને આ સન્માન નથી મળ્યું. આ બે વડા પ્રધાનમાંથી એક છે ગુલઝારીલાલ નંદા અને બીજા છે ચંદ્રશેખર. આખરે એવું તે શું કારણ કે સંજોગો રહ્યા કે આ બંનેને આ સન્માન નથી મળ્યું.

ગુલઝારીલાલ નંદાની વાત કરીએ તો તેમને બે વખત ભારતના કાર્યવાહક વડા પ્રધાન બનવાનો મોકો મળ્યો હતો. પહેલી વખત 27મી મે, 1964માં જ્યારે તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નિધન થયું. બીજી વખત 11મી જાન્યુઆરી, 1966માં વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ. બંને સમયે તેમનો કારભાર ટૂંકા ગાળાનો હતો. આ બંને વખતે તેમને 13- 13 દિવસ માટે જ આ પદ સંભાળવાનો મોકો મળ્યો હતો, અને આ સમય દરમિયાન 15મી ઓગસ્ટ આવી જ નહોતી.

ચંદ્રશેખર દેશના 8મા વડા પ્રધાન હતા જેમણે 10મી નવેમ્બર, 1990થી 21મી જૂન, 1991 સુધી કારભાર સાંભળ્યો હતો. આમ ચંદ્રશેખર દેશના વડા પ્રધાન તરીકે 6 મહિના સુધી રહ્યા, પરંતુ આ સમયે દેશમાં પારાવાર રાજકીય અસ્થિરતાનો માહોલ હતો. તેમની સરકાર કોંગ્રેસના સમર્થનથી ચાલી રહી હતી અને લાંબુ ટકી શકી નહીં. ચંદ્રશેખરે પણ 6 મહિનાની અંદર જ રાજીનામું આપ્યું. આમ તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન 15મી ઓગસ્ટ આવી નહીં અને તેમને પણ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાનો મોકો મળ્યો નહીં.
15મી ઓગસ્ટના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાના મહત્વ વિશે વાત કરીએ તો આ દિવસે જ દેશને આઝાદી મળી હતી. આ માત્ર એક તારીખ નહીં પણ લાખો સ્વતંત્રસેનાનીઓના બલિદાન, સંઘર્ષ અને સમર્પણની ગાથા જણાવતો દિવસ છે. લાલ કિલ્લા પર તિરંગો લહેરાવવો એ એક પરંપરા નહીં પણ લોકતંત્ર અને સ્વતંત્રતાના પ્રતિક સમાન છે. આ કિલ્લા પરથી જ વડા પ્રધાન દેશવાસીઓને સંબોધિત કરતા આગામી વર્ષ માટે સરકારની નીતિઓના લેખાજોખા પણ રજૂ કરે છે. 1947માં જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને આની શરૂઆત કરી હતી અને આ જ દિવસ સુધી આ પરંપરા ચાલી આવી છે.
આપણ વાંચો: દિલ્લીની પ્રતિષ્ઠિત ક્લબની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાની કારમી હાર, ભાજપના જ ક્યા નેતા જીત્યા ?