નેશનલ

વડા પ્રધાન મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે રવાના, ઝેલેન્સકી સાથેની બેઠક પર સૌની નજર…

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે સવારે પોલેન્ડની બે દિવસીય મુલાકાતે (PM Modi Poland visit) રવાના થયા છે, ત્યાર બાદ વડા પ્રધાન મોદી યુક્રેન(Ukraine)ની ટૂંકી મુલાકાત લેશે. છેલ્લા 45 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે, અગાઉ 1979માં મોરારજી દેસાઈ વડા પ્રધાન તરીકે પોલેન્ડ ગયા હતા. વડાપ્રધાન મોદીની આ મુલાકાત વૈશ્વિક અસ્થિરતા અને બદલાતા રાજકીય સમીકરણોને જોતા મહત્વની સાબિત થઇ શકે છે.

નવી દિલ્હીથી પોલેન્ડ માટે રવાના થતા પહેલા વડા પ્રધાન મોદી પોલેન્ડને મધ્ય યુરોપમાં ભારતનું મુખ્ય આર્થિક ભાગીદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ ત્યાંના ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. વડા પ્રધાન મોદીએ X પોસ્ટમાં લખ્યું કે, ‘વર્સો માટે રવાના થઈ રહ્યો છું, પોલેન્ડની આ મુલાકાત ખાસ સમયે કરી રહ્યું છું – કારણ કે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પુરા થઇ રહ્યા છે. ભારત પોલેન્ડ સાથે ઘનિષ્ઠ મિત્રતા ઈચ્છે છે. લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા આ સંબંધ મજબૂત બને છે. હું રાષ્ટ્રપતિ અને પીએમ સાથે વાત કરીશ, હું આજે સાંજે વોર્સોમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરીશ.’

પોલેન્ડ બાદ યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાત અંગે વડા પ્રધાન મોદીએ અન્ય એક પોસ્ટમાં કહ્યું, ‘હું રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેન જઈશ. આ મુલાકાત તેમની સાથે અગાઉની ચર્ચાઓને આગળ વધારવા અને ભારત-યુક્રેન મિત્રતાને વધુ ગાઢ બનાવવાની તક હશે. અમે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર અમારા મંતવ્યો પણ શેર કરીશું. એક મિત્ર અને ભાગીદાર તરીકે, અમે આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાના વહેલી તકે સ્થાપિત થાય એવી આશા રાખીએ છીએ.’

ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી 21-23 ઓગસ્ટ સુધી પોલેન્ડની સત્તાવાર મુલાકાતે હશે, ત્યાર બાદ પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જવા રવાના થશે. આ પહેલા વડા પ્રધાન મોદી 8 અને 9 જુલાઈના રોજ પણ રશિયા ગયા હતા, ત્યારે યુક્રેને સખત વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકની મુલાકાત પર સૌની નજર છે.

પહેલા પોલેન્ડની રાજધાની વોર્સોમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને ત્યારબાદ વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં હાજરી આપશે.

પોલેન્ડ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી 23 ઓગસ્ટના રોજ યુક્રેન જશે, તેઓ પોલેન્ડથી ટ્રેન મારફતે યુક્રેન જશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેમની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડા પ્રધાન મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું.

વડાપ્રધાન મોદી પોલેન્ડમાં રહેતા ભારતીયોને સંબોધિત કરશે. વડાપ્રધાન જામનગર અને કોલ્હાપુરના મહારાજાઓના સ્મારકોની પણ મુલાકાત લઈ શકે છે. આ સ્મારકો ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો પોલિશ શરણાર્થીઓને આશ્રય આપ્યો હતો.

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ 25 જૂન 1955ના રોજ પોલેન્ડ ગયા હતા. આ પછી ઈન્દિરા ગાંધી 8 ઓક્ટોબર 1967ના રોજ પોલેન્ડની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ મોરારજી દેસાઈ 14 જૂન 1979ના રોજ પોલેન્ડની મુલાકાત લેનારા છેલ્લા ભારતીય વડાપ્રધાન હતા. હવે 45 વર્ષ પછી વડા પ્રધાન મોદી પોલેન્ડ જઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button