કેરળમાં પીએમ મોદીને સુરક્ષા માટે લગાવેલા દોરડામાં ફસાઈ ગયો બાઈક સવાર અને….
થિરુવનંથપુરમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભાની ચૂંટણીને લઈને બે રાજ્યોના પ્રવાસે છે. પહેલા તેઓ કેરળમાં બે રેલી કરવાના છે. ત્યારબાદ તેઓ તમિલનાડુમાં જનસભાને સંબોધવાના છે. કેરળના કોચીમાં પીએમ મોદીના રેલી સ્થળ પાસે એક અકસ્માત થયો હોવાની જાણકારી મળી છે. એમ જાણવા મળ્યું છે કે પીએમ મોદીની મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થા માટે લગાવવામાં આવેલા દોરડામાં એક બાઈક સવાર ફસાઈ ગયો હતો અને અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.
કેરળની કોચી પોલીસે સોમવારે આ મામલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતમાં અહીંના રહેવાસી મનોજ ઉન્નીનું મૃત્યુ થયું હતું. ઉન્નીને નજીક ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહોતો.
આ અકસ્માતને પગલે યુવકના પરિવારમાં શોકનો માહોલ છે. તેના પરિવારજનોનું કહેવું છે કે કોઈપણ ચેતવણી આપ્યા વિના રસ્તા પર દોરડું બાંધી દેવામાં આવ્યું હતું અને રાતના સમયે આ દોરડુ જોવાનું ઘણું જ મુશ્કેલ હતું. મૃતકના એક સંબંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાત માટે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આ દોરડું બાંધવામાં આવ્યું હતું અને આ દોરડું રાત્રે દેખાય તે માટે કોઈ નિશાની પણ મૂકવામાં આવી ન હતી.
નોંધનીય છે કે કેરળમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે જાહેર સભાઓને સંબોધન કરવાના છે.