નેશનલ

ઝેર ભેળવવાના નિવેદન મુદ્દે PM Modiના કેજરીવાલ પર આકરા પ્રહાર, કોઈ કઈ રીતે કહી શકે નદીમાં ઝેર ભેળવ્યું છે…

નવી દિલ્હી: દિલ્હીમાં ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજેરીવાલે આક્ષેપ કર્યો હતો કે હરિયાણામાં ભાજપના માણસો યમુનામાં ઝેર ભેળવી રહ્યા છે અને તેને દિલ્હી મોકલી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના આ નિવેદનનો ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે વિવાદાસ્પદ મુદ્દે હરિયાણા સરકારે કેજરીવાલ સામે એફઆઈઆર નોંધાવવાનો નિર્ણય લીધો છે.

હરિયાણાના લોકો મોદીના પાણીમાં ઝેર ભેળવી શકે?
દિલ્હીમાં એક ચૂંટણી સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે, “દિલ્હીના એક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને હરિયાણાના લોકો પર આરોપો લગાવ્યા છે. ‘આપદ્દા’વાળા લોકો હારવાના ડરથી ગભરાઈ ગયા છે. શું હરિયાણાના લોકો પોતાના પરિવારના સભ્યોના પાણીમાં ઝેર ભેળવી શકે છે? મોદી અને દેશના તમામ ન્યાયાધીશો અને વિશ્વભરના દૂતાવાસોના લોકો પણ આ જ પાણી પીવે છે. શું કોઈ કલ્પના કરી શકે છે કે હરિયાણાના લોકો મોદીના પાણીમાં ઝેર ભેળવી શકે છે?

‘આપ’ ઈચ્છે છે કે ગંદકીમાં જ થાય પૂજા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ લોકો દિલ્હીના લોકોને પાણી માટે તરસાવવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે પૂર્વીય ક્ષેત્રના આપણા મિત્રો દર વર્ષે ગંદકીમાં છઠી મૈયાની પૂજા કરે. પોતાના રાજકીય હિતમાં, આપદ્દાના લોકોએ બીજું એક ઘોર પાપ કર્યું છે. તેમના પાપો ક્યારેય માફ કરી શકાઈ નહિ, ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે. ભલે તમારી ઇકોસિસ્ટમ તમારા પાપને ઢાંકવાનો પ્રયાસ કરે, દિલ્હી ભૂલી શકશે નહીં. હરિયાણાનું દરેક બાળક નહિ ભૂલી શકે.

હરિયાણાનું નહિ પણ દેશનું અપમાન
પીએમ મોદીએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું- “ભૂલોને માફ કરવી એ દેશવાસીઓની ઉદારતા છે. પરંતુ જો કોઈ જાણી જોઈને ભૂલ કરે છે, તો દેશ તેને માફ કરતો નથી. હરિયાણાના લોકો દેશભક્ત અને ધાર્મિક છે. આ માત્ર હરિયાણાનું જ નહિ પણ દેશનું અપમાન છે, સંસ્કૃતિનું અપમાન છે. દિલ્હી આવી નીચી વાતો કરનારાઓને પાઠ ભણાવશે.

આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મુંબઈની મુલાકાતમાં મહાયુતિના વિધાનસભ્યોને મળશે

કેજરીવાલની મુશ્કેલીમાં વધારો
યમુનામાં ઝેર ભેળવવાના આરોપો મુદ્દે આપના સ્થાપક અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. હરિયાણાની ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારે કેજરીવાલની સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ આ દાવાઓને રજૂ કરવાના રહેશે. એફઆઈઆર નોંધાયા પછી ઈલેક્શન કમિશનનું વલણ કેવું રહેશે એ પણ જોવાનું રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button