
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે હતા. કેરળમાં તેમણે 8900 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર એક મંચ પર જોવા મળ્યા હતા. તેમની વચ્ચે કઈંક વાત પણ થઈ હતી. પીએમ મોદીએ ઈશારા ઈશારામાં વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા.
શું બોલ્યા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું મુખ્ય પ્રધાન પિનારઈ વિજયનને કહેવા માંગુ છું કે તમે I.N.D.I બ્લોકના મજબૂત સ્તંભ છે. શશિ થરૂર પણ અહીંયા બેઠા છે. આજના કાર્યક્રમથી અનેક લોકોની ઉંઘ ઉડી જશે. વાત જ્યાં પહોંચવાની હતી ત્યાં પહોંચી પણ ગઈ હશે.
આ પહેલા પીએમ મોદી કેરળ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર શશિ થરૂરે તેમનું સ્વાગત કર્યું હતું. આ અવસર પર થરૂરે ટ્વિટ કરીને કહ્યું કે, પીએમ મોદીનું મારા મત વિસ્તારમાં સ્વાગત કરી શકું તે માટે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટમાં વિલંબ છતાં સમયસર પહોંચી ગયો.
Despite delays at the dysfunctional Delhi airport, managed to land in Thiruvananthapuram in time to receive Prime Minister Narendra Modi on his arrival in my constituency. Looking forward to his officially commissioning Vizhinjam port, a project I have been proud to have been… pic.twitter.com/OoGHeS0Gbe
— Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2025
વડા પ્રધાન મોદીએ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું, આ પોર્ટની ક્ષમતા આગામી સમયમાં વધીને ત્રણ ગણી થશે. વિશ્વના મોટા માલવાહક જહાજો આવી શકશે. પહેલા ભારતનું 75 ટકા ટ્રાન્સશિપમેંટ દેશની બહારના પોર્ટથી થતું હતું, તેનાથી ભારતને રેવન્યૂનું નુકસાન થતું હતું પરંતુ હવે આવું નહીં થાય. આ પોર્ટથી સ્થાનિકોને રોજગારી પણ મળશે. ભારતના દરિયાકાંઠાના રાજ્યો, આપણા પોર્ટ શહેરો, વિકસિત ભારતના વિકાસના મહત્ત્વપૂર્ણ કેન્દ્રો બનશે. તેમણે કહ્યું – પોર્ટ અર્થતંત્રની સંપૂર્ણ સંભાવના ફક્ત ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે માળખાગત સુવિધાઓ અને વ્યવસાય કરવાની સરળતા બંનેને પ્રોત્સાહન આપવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં ભારત સરકારની પોર્ટ અને જળમાર્ગ નીતિનો આ બ્લુપ્રિન્ટ રહ્યો છે.
અદાણીએ ગુજરાતીઓનો રોષ સહન કરવા તૈયાર રહેવું પડશે
વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું, અદાણી 30 વર્ષથી ગુજરાતમાં પોર્ટ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી ત્યાં આવું પોર્ટ બનાવ્યું નથી. જ્યારે ગુજરાતના લોકોને ખબર પડશે કે અદાણી ગ્રુપે કેરળમાં આટલું સારું પોર્ટ બનાવ્યું છે ત્યારે તેમણે ગુજરાતના લોકોના રોષનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
આપણ વાંચો: વડોદરામાં મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં હોબાળો, CM બોલ્યા- એજન્ડા લઈને આવ્યા છો