
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે પગલા ભરતા સિંધુ જળ સંધી (Indus water treaty) રદ કરી હતી, જેને કારણે પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. ઘણા લોકોએ સિંધુનદીનું પાણી રોકવાની ભારતની ક્ષમતા વિષે સવાલો ઉઠાવ્યા છે, એવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીંધુ જળ સંરક્ષણ પર એક મહત્વનું નિવેદન આપ્યું છે.
એક ખાનગી મીડિયા ચેનલના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, “જે પાણી ભારતનું છે તે હવે ભારત માટે ઉપયોગમાં લેવાશે. જે પાણી પહેલા દેશની બહાર જતું હતું તે હવે અહીં રોકીને દેશની જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવાશે.”
પાકિસ્તાનને કડક સંદેશ:
વડાપ્રધાન મોદીના આ નિવેદનને પાકિસ્તાન માટે એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે વડાપ્રધાને તેમના નિવેદનમાં જેમાં પાકિસ્તાન કે સિંધુ નદીનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે આ પાણી કયા દેશમાં વહી રહ્યું છે અથવા તેને રોકવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે, એ અંગે માહિતી આપી ન હતી. જોકે, પાકિસ્તાન સાથેના તાજેતરમાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં લેતા, એવું માનવામાં આવે છે કે વડાપ્રધાનનો ઈરાદો પાકિસ્તાનને કડક સંદેશ આપવાનો હતો.
‘સરકારે ઘણા કઠિન નિર્ણયો લીધા’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનું પાણી હવે ભારત માટે વહેશે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે ઘણા કઠિન નિર્ણયો લીધા છે જે રાષ્ટ્રીય હિતમાં હતા. રાજકીય ઇચ્છાશક્તિના અભાવે પાછલી સરકારો દ્વારા ઘણા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી ન હતી.
વડાપ્રધાને કહ્યું કે જ્યારે નિર્ણયો ફક્ત એક જ ઉદ્દેશ્ય નેશન ફર્સ્ટ પર આધારિત હોય છે, ત્યારે દેશ આગળ વધે છે. છેલ્લા એક દાયકામાં, ભારતે નેશન ફર્સ્ટની આ નીતિનું પાલન કર્યું છે અને આજે આપણે તેના પરિણામો જોઈ રહ્યા છીએ. છેલ્લા 10-11 વર્ષોમાં, સરકારે એક પછી એક મોટા નિર્ણયો લીધા છે જે અગાઉની સરકારો દ્વારા મુલતવી રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો યુદ્ધના એંધાણઃ ભારત પાકિસ્તાનની સરહદે કરશે યુદ્ધાભ્યાસ, NOTAM જારી
ચેનાબ અને ઝેલમના પાણી રોકાશે:
ભારત સરકાર ચેનાબ નદી પરના બગલીહાર બંધમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને રોકવા માટે પગલાં લઈ રહી છે અને ઝેલમ નદી પરના કિશનગંગા પ્રોજેક્ટમાંથી વહેતા પાણીને ઘટાડવાની તૈયારીઓ કરી રહી છે. એવામાં વડાપ્રધાનનું આ નિવેદન મહત્વનું માનવામાં આવી રહ્યું છે. સરકારી અધિકારીઓએ અગાઉ કહ્યું છે કે, સરકાર ભારતીયોના હિત માટે નદીના પાણીનો ઉપયોગ કરવાના રસ્તાઓ શોધી રહી છે.
વર્લ્ડ બેંકની મધ્યસ્થી હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે છ નદીઓ સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજના પાણીની ફાળવણી માટે ‘સિંધુ જળ સંધિ’ કરવામાં આવી હતી.