PM મોદીનો BRICS મંચ પરથી સંદેશ: ‘મહત્વપૂર્ણ ખનિજોને હથિયાર ન બનાવો, AI માટે વૈશ્વિક ધોરણોની હાકલ!

રીયો ડી જાનેરો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ (BRICS) સમૂહના વાર્ષિક શિખર સંમેલનમાં મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીની સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા માટે સભ્ય દેશોને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈપણ દેશ આ સંસાધનોનો ઉપયોગ પોતાના “સ્વાર્થી લાભ” માટે કે બીજા વિરુદ્ધ “હથિયાર” તરીકે ન કરી શકે. બહુપક્ષવાદ, નાણાકીય બાબતો અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) પર આયોજિત સત્રમાં પોતાના સંબોધનમાં મોદીએ પારદર્શિતા જાળવવા અને દુરુપયોગને રોકવા માટે AIના ઉપયોગ માટે વૈશ્વિક ધોરણો બનાવવાનું પણ આહ્વાન કર્યું હતું.
આ સંસાધનોનો ઉપયોગ બીજા વિરુદ્ધ હથિયાર તરીકે ન કરે
વડા પ્રધાનની મહત્વપૂર્ણ ખનિજો પરની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ચીન દ્વારા આ સંસાધનોના નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધો અને આ ક્ષેત્રમાં તેની અપારદર્શક નીતિઓ અંગે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકા પણ આવા ખનિજોની સ્પર્ધામાં સામેલ છે. પીએમ મોદીએ કહ્યું, “આપણે મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીની સપ્લાય ચેઇનને સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે કોઈ પણ દેશ આ સંસાધનોનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે અથવા બીજા વિરુદ્ધ હથિયાર તરીકે ન કરે.”
કયા ખનિજો માટે સ્પર્ધા ચાલી રહી છે?
લિથિયમ, નિકલ અને ગ્રેફાઇટ જેવા મહત્વપૂર્ણ ખનિજોને ઇલેક્ટ્રિક વાહનો (EVs), ડ્રોન અને બેટરી સ્ટોરેજ સહિતના ઉચ્ચ-સ્તરીય ટેકનોલોજી ઉત્પાદનો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ એઆઈ બાબતે કહ્યું કે આ બાબતથી રોજીંદી જિંદગીમાં સુધાર આવી શકે છે, પરંતુ તેનાથી જોખમ, નૈતિકતા અને પૂર્વગ્રહને અંગે ચિંતાઓ જન્મી છે.
ભારત આગામી વર્ષે AI પ્રભાવ શિખર સંમેલનનું આયોજન કરશે
વડા પ્રધાને જાહેરાત કરી કે ભારત આગામી વર્ષે “AI પ્રભાવ શિખર સંમેલન”નું આયોજન કરશે. નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમારું માનવું છે કે ચિંતાઓને દૂર કરવા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાને AI ગવર્નન્સમાં સમાન મહત્વ મળવું જોઈએ. આપણે જવાબદાર AI માટે સાથે મળીને કામ કરવું જોઈએ.” તેમણે આગળ કહ્યું કે, “આવા વૈશ્વિક ધોરણો બનાવવા જોઈએ, જે ડિજિટલ સામગ્રીની પ્રમાણિકતાને ચકાસી શકે, જેથી આપણે સામગ્રીના સ્ત્રોતને ઓળખી શકીએ અને પારદર્શિતા જાળવી રાખી શકીએ તથા દુરુપયોગને રોકી શકીએ.”