PM Modi નો ઈસ્ટ એશિયા સમીટમાં જોવા મળ્યો પ્રભાવ, દુનિયાના દેશોને આપ્યો શાંતિનો સંદેશ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)શુક્રવારે 19મી પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન યજમાન અને આગામી શિખર સંમેલનના યજમાન બાદ પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવામાં આવેલા તેઓ પ્રથમ નેતા હતા. આને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જેને આસિયાન દેશોમાં ભારતના વધતા પ્રભાવ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ 19મી પૂર્વ એશિયા સમિટમાંથી નવમાં ભાગ લીધો
આ દરમિયાન વડા પ્રધાન મોદીનો ઉલ્લેખ એકમાત્ર એવા નેતા તરીકે કરવામાં આવ્યો હતો જેણે પૂર્વ એશિયા સમિટમાં સૌથી વધુ વખત ભાગ લીધો હતો. પીએમ મોદીએ 19મી પૂર્વ એશિયા સમિટમાંથી નવમાં ભાગ લીધો છે. પૂર્વ એશિયા સમિટની શરૂઆત વર્ષ 2005 માં મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજન સાથે થઈ હતી. તેની શરૂઆત સમયે પૂર્વ એશિયા સમિટમાં 16 સહભાગી દેશોનો સમાવેશ થતો હતો.
આ યુદ્ધનો યુગ નથી : પીએમ મોદી
ઈસ્ટ એશિયા સમિટમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે હંમેશા આસિયાન એકતા અને કેન્દ્રિયતાને સમર્થન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, અમે મ્યાનમારની સ્થિતિ પર આસિયાનના પરિપ્રેક્ષ્યનું સમર્થન કરીએ છીએ. અમે પાંચ મુદ્દાની સર્વસંમતિને પણ સમર્થન આપીએ છીએ.પાડોશી દેશ તરીકે ભારત તેની જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખશે.
શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થવી જોઈએ
વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ નકારાત્મક અસર ગ્લોબલ સાઉથના દેશો પર પડી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે યુરેશિયા હોય કે પશ્ચિમ એશિયા, શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થવી જોઈએ.
ભારત આ દિશામાં દરેક શક્ય યોગદાન આપતું રહેશે
પીએમ મોદીએ કહ્યું, ‘હું બુદ્ધની ભૂમિમાંથી આવ્યો છું, અને મેં વારંવાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. સમસ્યાઓનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી ન આવી શકે. સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવું જરૂરી છે. માનવતાવાદી અભિગમને ધ્યાનમાં રાખીને સંવાદ અને મુત્સદ્દીગીરીને પ્રાથમિકતા આપવી પડશે. વિશ્વબંધુની જવાબદારી નિભાવીને ભારત આ દિશામાં દરેક શક્ય યોગદાન આપતું રહેશે.
આતંકવાદને ગંભીર પડકાર ગણાવ્યો
પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે પણ ગંભીર પડકાર છે. આનો સામનો કરવા માટે માનવતામાં વિશ્વાસ રાખતી શક્તિઓએ સાથે મળીને કામ કરવું પડશે. સાયબર, મેરીટાઇમ અને સ્પેસના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગને મજબૂત બનાવવો પડશે.