પીએમ મોદીએ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું, કહ્યું ટ્રમ્પના પ્રયાસોને સમર્થન

નવી દિલ્હી : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો છે. જેમાં હમાસે સોમવારે યુદ્ધ વિરામના ભાગ રૂપે 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા.
જયારે ઇઝરાયલે પણ 1,900 થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કર્યા હતા. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર પ્રક્રિયા અને ઇઝરાયલી બંધકોની મુક્તિ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું હતું.
આપણ વાંચો: ગાઝામાં ચાર દિવસીય યુદ્ધવિરામ, 50 બંધકોની મુક્તિ – ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરતી સમજુતી
તમામ બંધકોની મુક્તિનું સ્વાગત
પીએમ મોદીએ કહ્યું કે, “અમે બે વર્ષથી વધુ સમયની કેદ બાદ તમામ બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અતૂટ શાંતિ પ્રયાસો અને વડાપ્રધાન નેતન્યાહૂનો મજબૂત સંકલ્પ છે. અમે પ્રદેશમાં શાંતિ લાવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપીએ છીએ.”
ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ પહોંચ્યા હતા
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ અને બંધક કરારની ઉજવણી કરવા માટે ઇઝરાયલ પહોંચ્યા હતા. તેમણે ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કરી હતી. યુદ્ધવિરામ કરાર પછી ગાઝામાં બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધનો અંત લાવવા માટે યુએસ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિઓ વૈશ્વિક નેતાઓના શાંતિ સમિટ ની અધ્યક્ષતા કરી રહ્યા છે.
ગાઝા યુદ્ધમાં 67,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા
ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર આક્રમણ કર્યું અને નરસંહાર કર્યો. આ હુમલામાં આશરે 1,200 ઇઝરાયલીઓ માર્યા ગયા. હમાસે લગભગ 250 અન્ય લોકોને બંધક બનાવીને ગાઝા લઈ ગયા હતા.
ત્યારબાદ ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસ સામે યુદ્ધ શરૂ કર્યું. સ્થાનિક હમાસ આરોગ્ય અધિકારીઓ કહે છે કે ગાઝા યુદ્ધમાં 67,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.