નેશનલસ્પોર્ટસ

વડા પ્રધાન મોદી ` વિક્સિત ભારત’ વિશે હરમનપ્રીત, લિએન્ડર પેસ અને પુલેલા ગોપીચંદ સાથે કરશે ચર્ચા!

નવી દિલ્હીઃ ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આશય દેશને 2047ની સાલ સુધીમાં ` વિક્સિત ભારત’ બનાવવાનો છે, તેઓ એ દિશામાં દેશને પ્રતિદિન પ્રગતિમય બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે અને એ જ હેતુથી તેઓ આવતા મહિને હરમનપ્રીત કૌર, લિએન્ડર પેસ અને પુલેલા ગોપીચંદ સહિતના દેશના જાણીતા સ્પોર્ટ્સપર્સન્સ સાથે મહત્ત્વની ચર્ચા કરશે.

આગામી 9-12 જાન્યુઆરી દરમ્યાન પાટનગર દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિક્સિત ભારત યંગ લીડર્સ ડાયલૉગ (VBYLD)ના બૅનર હેઠળ ચર્ચાસત્ર યોજાશે જેમાં વડા પ્રધાન (PM) ખેલજગતની જાણીતી હસ્તીઓ સાથે (ખાસ કરીને ભારતને રમતગમતમાં કેવી રીતે વિક્સિત બનાવવું એ સંબંધમાં) ચર્ચા કરશે.

આપણ વાચો: પીએમ મોદીએ કહ્યું પૂર્વ ભારતના વિકાસ માટે બિહારનો વિકાસ જરૂરી, કહ્યું મુંબઈની જેમ મોતીહારીનું પણ નામ હોય

કેન્દ્રનું યુવા બાબતો તથા ખેલકૂદ ક્ષેત્ર સંબંધિત મંત્રાલય ` વિક્સિત ભારત’ના અભિયાનમાં દેશના યુવા વર્ગને અર્થપૂર્ણ ભૂમિકા સોંપવા ઇચ્છે છે. પીએમ મોદી સ્પોર્ટ્સ સિવાયના ક્ષેત્ર બાબતમાં પણ સ્પોર્ટ્સપર્સન્સના અભિપ્રાયો અને આઇડિયા માગશે.

હરમનપ્રીત (HARMANPREET KAUR) ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન છે. તાજેતરમાં જ તેના નેતૃત્વમાં ભારત પહેલી વાર વર્લ્ડ કપ જીત્યું. બાવન વર્ષીય લિએન્ડર પેસ (Leander Paes) ભારતનો ટેનિસ-લેજન્ડ અને ડબલ્સનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન છે અને તે 29 વર્ષની લાંબી તથા શાનદાર કારકિર્દી દરમ્યાન ડબલ્સના પંચાવન ટાઇટલ જીત્યો હતો તેમ જ 770 મૅચ જીત્યો હતો. પુલેલા ગોપીચંદ પણ બાવન વર્ષનો છે. તે કૉમનવેલ્થના બે અને એશિયન ચૅમ્પિયનશિપનું એક ટાઇટલ જીત્યો હતો.

સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ દેશભરમાં યુવા વર્ગના 50 લાખ જેટલા લોકોની મદદથી જે મૂલ્યાંકન કર્યું એ દ્વારા વીબીવાયએલડી માટેની ચર્ચામાં કુલ 2,000 યુવાનો તથા યુવતીઓને સિલેક્ટ કર્યા છે. તેમની સાથેના ચર્ચાસત્રના આખરી દિને (12મી જાન્યુઆરીએ) સ્વામી વિવેકાનંદની જન્મજયંતી (રાષ્ટ્રીય યુવા દિન) પણ ઉજવવામાં આવશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button