કાશીઃ પોતાના મતવિસ્તાર વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમા જઈ પૂજા કરી હતી. મોદી શનિવારે વારાણસી પહોંચ્યા હતા, ત્યારે તેમણે અહીં રોડ શો યોજ્યો હતો. વારાણસીમાંથી ત્રીજી વખત ચૂંટણી લડવા જઈ રહેલા મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી. ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો એરપોર્ટની બહારના રસ્તાઓ પર કતારમાં ઉભા હતા.
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જોકે પહેલાથી મોદી દેશના વિવિધ રાજ્યોમાં જઈ લોકોને સુવિધાઓની ભેટ આપી રહ્યા છે.
આસામ અને અરુણાચલના પ્રવાસેથી પરત ફરેલા પીએમ મોદીએ શનિવારે રાત્રે કાશીમાં આરામ કર્યો હતો. આજે તેઓ આઝમગઢ આવશે.
શનિવારે રાત્રે કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા બાદ પીએમ મોદીએ બાબા વિશ્વનાથની પૂજા કરી, આ દરમિયાન મંદિરનો ભવ્ય નજારો જોવા જેવો હતો. પીએમ મોદી ખુદ બાબાના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. મહાશિવરાત્રીના એક દિવસ પછી, તેમણે બાબા વિશ્વનાથની ભવ્ય પૂજા કરી. પીએમ મોદીના કપાળ પર ત્રિપુંડ ચંદન લગાવતા, ત્રિશૂળ લઈને મંદિરમાં પૂજા કરતા હોવાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પીએમ મોદીએ અહીંથી તેમના 28 કિલોમીટર લાંબા રોડ શોની શરૂઆત કરી હતી અને લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન જનતા તેમના પર ફૂલ વરસાવતી રહી. અગાઉના દિવસે, પીએમ મોદીએ પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લીધી હતી અને ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.