PM Modi Man ki baat: ફિટ ઈન્ડિયા, મેન્ટલ હેલ્થ, AI, ઇનોવેશન, નારી શક્તિ અને નવા વર્ષની શુભકામનાઓ…જાણો મન કી બાતના મુખ્ય મુદ્દા
નવી દિલ્હી: આજે વર્ષ 2023ના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ ‘મન કી બાત'(Manki baat)ના 108માં એપિસોડમાં દેશવાસીઓને નવા વર્ષની આગોતરી શુભેચ્છા પાઠવી હતી. આ એપિસોડમાં તેમણે ફિટ ઈન્ડિયા, મેન્ટલ હેલ્થ, AI, ઇનોવેશન, નારી શક્તિ, સામાજિક નિસ્બત, માતૃભાષા વિષે વાત કરી હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે અભિનેતા અક્ષય કુમાર અને મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર પણ જોડાયા હતા, જેમણે તેમના ફિટનેસ મંત્ર વિષે વાત કરી હતી.
વડા મોદીએ કહ્યું કે, આજે આપણી સંયુક્ત યાત્રાનો 108મો એપિસોડ છે. 108 નંબરનું મહત્વ, તેની પવિત્રતા ઊંડા અભ્યાસનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વખત જાપ, 108 દિવ્ય ક્ષેત્રો, મંદિરોમાં 108 પગથીયા…108નો આ નંબર અપાર અસ્થા સાથે જોડાયેલો છે. તેથી જ મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બન્યો છે.
વડા પ્રધાને કહ્યું કે ભારત ઇનોવેશનનું હબ બની રહ્યું છે.
દેશ આત્મનિર્ભરતાની લાગણીથી ભરેલો છે. આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આપણા દેશે આ વર્ષે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારતનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છે. તે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી તરબોળ છે. આપણે 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાની છે.
વડા પ્રધાને કહ્યું કે ભારતનું ઇનોવેશન હબ બનવું એ હકીકતનું પ્રતિક છે કે આપણે હવે અટકવાના નથી. 2015માં આપણે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 81મા ક્રમે હતા, આજે આપણો ક્રમ 40મો છે. આ વર્ષે, ભારતમાં ફાઇલ કરાયેલી પેટન્ટની સંખ્યા વધુ છે, જેમાંથી લગભગ 60% સ્થાનિક ભંડોળમાંથી હતી.
ભારતના પ્રયાસોથી, 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ તરીકે ઉજવવામાં આવ્યું. આનાથી આ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સને ઘણી તકો મળી છે.
મન કી બાત કાર્યક્રમ દરમિયાન ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે કહ્યું, હું ફિટનેસ વિશે જેટલો જનૂની છું, તેના કરતાં હું પ્રાકૃતિક રીતે ફિટ રહેવા માટે વધુ છું. ફેન્સી જીમ કરતાં મને બહાર તરવું, બેડમિન્ટન રમવું, સીડીઓ ચડવું, માટી પર કસરત કરવી અને સારું હેલ્ધી ફૂડ ખાવું ગમે છે. હું માનું છું કે જો શુદ્ધ ઘી યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે, પરંતુ આજકાલ ઘણા યુવાનો ચરબીના ડરથી ઘી ખાતા નથી.
આપણી ફિટનેસ માટે શું ખરાબ છે અને શું સારું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તમારી જીવનશૈલીને ડૉક્ટરની સલાહ મુજબ બદલો, ફિલ્મ સ્ટારના શરીરને જોઈને નહીં. તમે જેવો દેખાશો, તેને ખુશીથી સ્વીકારો. આજ પછી ફિલ્ટર લાઈફ ન જીવો, ફિટર લાઈફ જીવો.
મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર પણ મન કી બાત કાર્યક્રમમાં જોડાઈ હતી અને પીએમ મોદી સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે સતત કસરત અને 7 કલાકની સંપૂર્ણ ઊંઘ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ફિટ રહેવામાં મદદ કરે છે. આ માટે કડક શિસ્તની જરૂર પડશે. જ્યારે તમે પરિણામ મેળવવાનું શરૂ કરો છો, ત્યારે તમે દરરોજ કસરત કરવાનું શરૂ કરશો.
વડા પ્રધાને કહ્યું કે શારીરિક સ્વાસ્થ્યમાં વધતા રસને કારણે, આ ક્ષેત્રમાં કોચ અને ટ્રેનર્સની માંગ વધી રહી છે. આનાથી સંબંધિત એક મોટું પાસું માનસિક સ્વાસ્થ્ય છે અને મને એ જાણીને આનંદ થયો કે મુંબઈ સ્થિત સ્ટાર્ટઅપ્સ જેમ કે Infi Heal અને yourDost માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કામ કરી રહ્યા છે.
આ વર્ષે કાશી-તમિલ સંગમમાં ભાગ લેવા માટે હજારો લોકો તમિલનાડુથી કાશી પહોંચ્યા હતા. ત્યાં મેં તેમની સાથે વાતચીત કરવા માટે પ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘ભાષિણી’નો જાહેરમાં ઉપયોગ કર્યો. હું સ્ટેજ પરથી હિન્દીમાં સંબોધન કરી રહ્યો હતો, પરંતુ AI ટૂલ ભાષિણી સાથે હોવાને કારણે ત્યાં હાજર તમિલનાડુના લોકો તે જ સમયે તમિલ ભાષામાં મારું સંબોધન સાંભળી રહ્યા હતા.
વડા પ્રધાને મોદીએ કહ્યું, આપણા દેશનો દરેક સમય આપની અદ્ભુત દીકરીઓએ ગર્વથી ભરી દીધો છે. સાવિત્રીબાઈ ફૂલે અને રાણી વેલુ નાચિયારજી આવા વ્યક્તિત્વ છે. સાવિત્રીબાઈ ફુલેએ દીકરીઓ માટે ઘણી શાળાઓ શરૂ કરી અને સમાજ સુધારણામાં યોગદાન આપ્યું. તેમણે મહિલાઓ અને વંચિતો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. જ્યારે મહારાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેણે લોકોની મદદ માટે પોતાના ઘરના દરવાજા પણ ખોલી નાખ્યા. સામાજિક ન્યાયનું આવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે છે.
રાણી વેલુ નાચિયારનું નામ પણ દેશની અનેક મહાન હસ્તીઓમાંથી એક છે જેમણે વિદેશી શાસન સામે લડત આપી હતી. તમિલનાડુના મારા ભાઈઓ અને બહેનો આજે પણ તેમને વીરા મંગાઈ એટલે કે બહાદુર મહિલાના નામથી યાદ કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, હું તમને ઝારખંડના એક આદિવાસી ગામ વિશે જણાવવા માંગુ છું.
આ ગામમાં બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે અને બાળકોને કુડુખ ભાષામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કુડુખ ભાષા એ ઓરાઓન આદિવાસી સમુદાયની માતૃભાષા છે અને તેની પોતાની લિપિ પણ છે. આ ભાષા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે.