કેન્દ્રની પ્રાથમિકતા આદીવાસીઓ, ગરીબો, યુવાનો, મહિલાઓનો વિકાસ: વડા પ્રધાન મોદી
રાંચી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા આદીવાસીઓ, ગરીબો, દલિતો, મહિલાઓ અને યુવાનોનો વિકાસ છે અને તેમના લાભાર્થે કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
ઝારખંડ જે વિકાસમાં અત્યાર સુધી પાછળ રહી ગયું છે તેમાં પણ આ બધી યોજનાઓ લાગુ કરવામાં આવતાં વિકાસની ગતિ જોવા મળશે, એમ તેમણે કહ્યું હતું.
ઝારખંડ વિકાસમાં પાછળ રહી જતું હતું, પરંતુ હવે કેટલાક પ્રોજેક્ટ આવ્યા છે, જેનાથી આ પ્રદેશનો વિકાસ ઝડપી બનશે. હવે કેન્દ્રની પ્રાથમિકતા આદીવાસીઓ, ગરીબો, યુુવાનો, દલિતો અને મહિલાઓના વિકાસ છે, એમ મોદીએ વર્ચ્યુઅલી ટાટાનગરમાં વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપવા તેમ જ અન્ય પ્રોજેક્ટની શરૂઆત માટે એકઠા થયેલા લોકોને સંબોધતાં કહ્યું હતું.
વડા પ્રધાને ટાટાનગર ન પહોંચી શકવા માટે લોકોની માફી માગતા કહ્યું હતું કે ‘ખરાબ વાતાવરણને કારણે મારું હેલિકોપ્ટર રાંચીથી ઉડ્ડયન કરી શક્યું નહોતું.’
તેમણે કહ્યું હતું કે રેલવે અને અન્ય પ્રોજેક્ટને કારણે ઉદ્યોગ, પ્રવાસન, આર્થિક વૃદ્ધિ અને વિકાસ પૂર્વના પ્રદેશોમાં જોવા મળશે.
કેન્દ્ર સરકારે ઝારખંડના વિકાસ માટે પોતાનું રોકાણ વધારી દીધું છે. આ વર્ષે ઝારખંડને રૂ. 7,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ અગાઉના 10 વર્ષની સાથે સરખામણી કરવામાં આવે તો આ ફાળવણી 16 ગણી વધારે છે.
આ પણ વાંચો :બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ઝારખંડ એવા રાજ્યોની હરોળમાં આવી ગયું છે, જ્યાં રેલવે લાઈનનું 100 ટકા ઈલેક્ટ્રિફિકેશન કરી નાખવામાં આવ્યું છે. અમૃત ભારત યોજના હેઠળ ઝારખંડના 50 જેટલા રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે.
આ પહેલાં તેમણે ઝારખંડ, ઓરિસા, બિહાર અને ઉત્તર પ્રદેશ માટે છ વંદેભારત ટ્રેનને રાંચીથી વર્ચ્યુઅલી લીલી ઝંડી દાખવી હતી.