પ્રયાગરાજ: વડાપ્રધાન મોદી આજે પ્રયાગરાજ મહાકુંભમાં જશે અને પવિત્ર ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. તેમના વ્યસ્ત સમયપત્રકને ધ્યાનમાં રાખીને તેમનો આજનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.
Also read : Budget 2025 : કેન્દ્ર સરકાર આ પ્રોડકટ લગાવે છે Vice Tax, જાણો બજેટમાં શું ફેરફાર થયા
આ હશે પીએમ મોદીનો પ્રયાગરાજનો કાર્યક્રમઃ-
પીએમ સવારે 10:05 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે. જ્યાંથી તેઓ હેલિપેડ પહોંચશે અને સવારે 10:45 વાગ્યે એરિયલ ઘાટ જશે. પીએમ મોદી સવારે 10:50 વાગ્યે બોટ દ્વારા મહાકુંભ પહોંચશે. મહાકુંભ મેળામાં પીએમ મોદીનો કાર્યક્રમ 11 થી 11.30 સુધીનો રહેશે.પવિત્ર ડુબકી લગાવ્યા બાદ તેઓ સંગમ તટ પર જ ગંગા મૈયાની પૂજા કરશે અને દેશવાસીઓની કુશળતાની કામના કરશે. પીએમ મોદી પ્રયાગરાજથી બપોરે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે પાછા ફરશે. પીએમ મોદીનો સંગમ પ્રવાસ બે કલાકનો છે. મહાકુંભમાં પીએમ મોદીના આગમનને લઈને વિશેષ તૈયારી કરવામાં આવી છે. સંપૂર્ણ ક્ષેત્રમાં સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ આજનો દિવસ જ કેમ પસંદ કર્યોઃ
પીએમ મોદીએ આજનો દિવસ પસંદ કર્યો એનું પણ ખાસ કારણ છે. આજે મહા મહિનાની અષ્ટમીની તિથિ છે અને શુભ દિવસ છે જ્યારે તેઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાના છે. આજે ગુપ્ત નવરાત્રિની અષ્ટમીની તિથિ છે જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મહત્વની માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી આધ્યાત્મિક તપસ્યા, સાધના ઘણું ફાળ આપે છે અને આ દિવસે તપસ્યા કરનારાઓની બધી ઈચ્છા પૂર્ણ થાય છે. આ દિવસને ભીષ્માષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજના દિવસ સાથે મહાભારતની કથા જોડાયેલી છેઃ-
આજના પવિત્ર દિવસ સાથે મહાભારતની કથા પણ જોડાયેલી છે. એમ કહેવાય છે કે મહાભારતના સમયે ભીષ્મ પિતામહ જ્યારે બાણની શૈયા પર સૂતા હતા અને સૂર્યના ઉતરાયણમાં જવાની રાહ જોતા હતા ત્યારે તેમણે મહા મહિનાની અષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની હાજરીમાં પોતાનો જીવ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ તેમને મોક્ષ પ્રાપ્ત થયો હતો.
Also read : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓનો આતંક: ક્રૂરતાથી કરી બે જણની હત્યા
મહાકુંભ વિશેઃ
મહાકુંભ 13 જાન્યુઆરી 2025 ના પોષ પૂર્ણિમાના દિવસથી શરૂ થયો છે અને તે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસ સુધી ચાલુ રહેવાનો છે. આસ્થાના આ મહાકુંભમાં અત્યાર સુધી 30 કરોડથી વધુ ભક્તો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જેમાં વિશ્વભરના ભક્તો ભાગ લઈ રહ્યા છે. મહાકુંભ ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપે છે અને તેની જાળવણી કરે છે. ભારત સરકારે દેશના વિવિધ સ્થળો પર લોકોની સુરક્ષા અને સુવિધા વધારવા અનેક પગલાં લીધા છે.