સંસદના વિશેષ સત્ર બાદ પીએમ મોદીએ બોલાવી કેબિનેટ બેઠક
પીએમ મોદીએ આજે 6:30 કલાકે કેબીનેટની બેઠક બોલાવી છે. એ પહેલા સંસદના વિશેષ સત્રના પ્રથમ દિવસે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે આજથી પ્રારંભ થતું સંસદનું વિશેષ સત્ર નાનું છે પરંતુ તે ‘મૂલ્યવાન’ છે અને તેમાં ‘ઐતિહાસિક નિર્ણયો’ લેવાશે.
સત્રના પહેલા દિવસે સંસદ ભવન પરિસરમાં મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે આ સત્રની એક વિશેષતા એ છે કે 75 વર્ષની યાત્રા હવે નવા સ્થાનેથી શરૂ થવા જઇ રહી છે. ચંદ્રયાન-3ની સફળતા અને G-20ના સફળ આયોજન બાદ આ સત્રનો આરંભ થવા જઇ રહ્યો છે. આથી તેનું મહત્વ ઘણું વધી જાય છે.
G-20માં હંમેશા એ વાતનો ગર્વ લેવાશે કે આપણે ગ્લોબલ સાઉથનો અવાજ બન્યા. આફ્રિકન યુનિયનને સ્થાયી સભ્યતા અને G-20ના ઘોષણાપત્ર અંગે તમામ દેશોની સર્વસંમતિ, આ તમામ બાબતો ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપી રહી છે. નવા સ્થાને સંસદની યાત્રાને આગળ વધારતા સમયે નવા સંકલ્પો, નવી ઉર્જા અને નવા વિશ્વાસ સાથે કામ કરવાનું છે તેમ પીએમ મોદીએ ઉમેર્યું.
વડા પ્રધાને જણાવ્યું, “2047 સુધીમાં દેશનો વિકાસ કરવાનો છે. આ માટે જે પણ નિર્ણયો લેવાના છે તે આ નવા સંસદ ભવનમાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે અમે નવા ગૃહમાં ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રવેશ કરીશું. આ સત્ર ખૂબ મૂલ્યવાન છે. રોકકળ કરવા માટે ઘણો સમય મળતો હોય છે, પરંતુ જીવનમાં કેટલીક પળો એવી પણ હોય છે જે વિશ્વાસ અને ઉમંગથી ભરેલી હોય છે. હું નાના સત્રને આ જ રૂપમાં જોઉં છું.” એમ વડા પ્રધાને જણાવ્યું હતું.