ઝારખંડમાં ઇડીની કાર્યવાહી પર પીએમ મોદી બોલ્યા, ઘરે જઇને ટીવી જોજો નોટાના ઢગલા જોવા મળશે
ભુવનેશ્વર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) ઓડિશાના (Odisha) નબરંગપુરથી ઇન્ડી ગઠબંધન પર મોટો હુમલો કર્યો. પીએમ મોદીએ ઝારખંડ(Jharkhand) સરકારના મંત્રી આલમગીર આલમના અંગત સચિવના નોકરના ઘરે EDના દરોડામાં મળી આવેલી બેનામી રોકડનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ સભામાં લોકોને કહ્યું, જ્યારે તમે અહીંથી ઘરે જાવ તો ટીવી પર જોજો,પડોશી રાજ્યમાં ઝારખંડમાંથી નોટોના ઢગલા જોવા મળી રહ્યા છે. મોદી લોકોની ચોરીનો માલ પકડી રહ્યા છે. તેથી જ આ લોકો મોદીને અપશબ્દો બોલી રહ્યા છે.
પીએમ મોદીએ પૂછ્યું, આ લોકોની ગાળો સાંભળીને આ કામ કરવું જોઈએ કે નહીં? તમારા નાણાં મારે સાચવવા જોઈએ કે નહીં? હું કોઈને એક પાઇ પણ ખાવા નહીં દઉં. જે ખાશે તે જેલમાં જશે અને ખાશે. એટલે જ મોદીએ જનધન ખાતા,આધાર અને મોબાઈલની એવી ત્રિપુટી બનાવી છે કે લોકોના પૈસાની લૂંટ બંધ થઈ ગઈ.
વડાપ્રધાને કહ્યું, 40 વર્ષ પૂર્વે એક વડાપ્રધાન ઓડિશા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું, પરંતુ ગરીબો સુધી માત્ર 15 પૈસા પહોંચે છે. એટલે કે 100માંથી તે 85 પૈસાની ચોરી થતી હતી. તમે આ ગરીબ માતાના દીકરાને મોકો આપ્યો પછી મેં કહ્યું કે હું એક રૂપિયો મોકલીશ અને કોઈને એક પૈસો પણ ખાવા નહીં દઈશ અને જે ખાશે તે જેલની રોટલી ચાવશે.
છત્તીસગઢમાં આદિવાસી સીએમ વિશે ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ કહ્યું, છત્તીસગઢ તમારા પડોશમાં છે, ત્યાં 15 વર્ષ સુધી ભાજપની સરકાર હતી, તાજેતરમાં રાજ્યની જનતાએ ફરીથી ભાજપને પ્રચંડ બહુમતીથી ચૂંટ્યા. આજે છત્તીસગઢની સરકાર આદિવાસી પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
બીજેડી પર નિશાન સાધ્યું
PMએ કહ્યું, BJD 25 વર્ષમાં તમારી સમસ્યાઓ ઓછી નથી કરી શક્યું. માત્ર ભાજપને તક આપો અને જુઓ, પાંચ વર્ષમાં અમે ઓડિશાને નંબર વન બનાવીશું. ભાજપ તમારી દરેક સમસ્યાનું સમાધાન કરશે. ભાજપ માટે તમારું કલ્યાણ સર્વોપરી છે.
ઝારખંડમાં EDએ મોટી કાર્યવાહી કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે ઝારખંડના રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં EDને અંદાજે 30 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. આ રોકડ ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના નોકરના ઘરેથી મળી આવી હતી. એટલું જ નહીં નોકર સંજીવ લાલના ઘરેથી અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. EDના દરોડામાં સંજીવ લાલના નોકરના ઘરેથી ચલણી નોટોના ઢગલા મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં રૂ. 20 કરોડની ગણતરી થઈ ચૂકી છે.