નેશનલ

સોમનાથ સ્વાભિમાન પર્વ: 1000 વર્ષ જૂના આક્રમણ સામે અતૂટ આસ્થાની જીત, PM મોદીએ શેર કરી સંભારણાની તસવીરો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર થયેલા ઐતિહાસિક હુમલાઓને યાદ કરતા ભારતની સાંસ્કૃતિક અખંડિતતા અને સંઘર્ષની ગાથાને નમન કર્યા છે.

ગુરુવારથી શરૂ થઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ દ્વારા તેમણે જણાવ્યું કે, જાન્યુઆરી ૧૦૨૬માં મહંમદ ગઝનવી દ્વારા કરવામાં આવેલા પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, છતાં ભારતની અતૂટ આસ્થા આજે પણ અડગ છે.

આપણ વાચો: મુસ્લિમ સંગઠને સોમનાથ મંદિર પાસેની જમીન પર દાવો કર્યો, બુલડોઝર એક્શન સામે SCમાં સુનાવણી

પીએમ મોદીએ લખ્યું કે, વર્ષ ૧૦૨૬નું તે ભયાનક આક્રમણ અને ત્યારબાદ થયેલા અનેક હુમલાઓ પણ દેશના લોકોના વિશ્વાસને ડગાવી શક્યા નથી. આ હુમલાઓએ ઉલટાનું ભારતની સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે અને તેને કારણે જ સોમનાથનો વારંવાર પુનરુદ્ધાર થતો રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારત માતાના એ અસંખ્ય સપૂતોને યાદ કરવાનો અવસર છે જેમણે ક્યારેય પોતાના મૂલ્યો સાથે સમજૂતી કરી નથી.

વડાપ્રધાને આ પર્વ નિમિત્તે દેશવાસીઓને એક ખાસ અપીલ પણ કરી છે. તેમણે પોતાની સોમનાથ યાત્રાની જૂની તસવીરો શેર કરતા લોકોને વિનંતી કરી કે જેઓ સોમનાથ ગયા હોય તેઓ પણ પોતાની તસવીરો #SomnathSwabhimanParv હેશટેગ સાથે શેર કરે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, અતૂટ આસ્થાના આ ૧૦૦૦ વર્ષ આપણને રાષ્ટ્રની એકતા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે.

.ઇતિહાસને વાગોળતા પીએમ મોદીએ ૩૧ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ સોમનાથમાં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ રજૂ કરી હતી. તેમણે યાદ અપાવ્યું કે ૧૯૫૧માં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન થયું હતું,

આપણ વાચો: સોમનાથ મંદિરથી સૌથી વધુ નફરત કરતાં હતા પંડિત નહેરૂ, ભાજપે પત્ર શેર કરીને કર્યો દાવો…

જેના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર ૨૦૦૧માં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. ૧૯૫૧ના પુનરુદ્ધારમાં સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીના યોગદાનને પણ તેમણે ખાસ બિરદાવ્યું હતું.

પોતાની પોસ્ટના અંતે વડાપ્રધાને આગામી વર્ષનું મહત્વ જણાવતા લખ્યું કે, વર્ષ ૨૦૨૬માં આપણે ૧૯૫૧ના એ ભવ્ય સમારોહના ૭૫ વર્ષ પૂર્ણ થવાની સ્મૃતિ પણ ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગ આપણી સભ્યતા અને સાંસ્કૃતિક ચેતના પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button