
નવી દિલ્હી : ભારત આજે બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પત્ર લખીને બંધારણની તાકત અંગે જણાવ્યું છે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે, નાગરિકોએ બંધારણની ફરજોનું પાલન કરવું જોઈએ. જે મજબૂત લોકશાહીનો પાયો છે. તેમણે પોતાના જીવન યાત્રાને યાદ કરતા જણાવ્યું કે બંધારણની તાકાતે ગરીબ પરિવારના એક સામાન્ય વ્યક્તિને વડાપ્રધાન પદ સુધી પહોંચવામાં સક્ષમ બનાવ્યો છે.
લોકશાહી મજબૂત કરવા પર ભાર મુક્યો
પીએમ મોદીએ આ પત્રમાં મતદારોને મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહી મજબૂત કરવા પર ભાર મુક્યો હતો. તેમજ પ્રથમ વાર મતદાતા બનેલા યુવાનોનું સન્માન કરીને શાળા કોલેજોને ઉજવણી માટે અપીલ કરી હતી. તેમણે મહાત્મા ગાંધીને યાદ કરીને જણાવ્યું કે અધિકારો ફરજ પૂર્ણ કરવાથી ઉદભવે છે. તેમજ આજે લેવાયેલા નિર્ણયો અને ધડાયેલી નીતિ ભવિષ્યની પેઢીઓના જીવનને આકાર આપશે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ વિકસિત ભારતના સંકલ્પ તરફ આગળ વધતાં પોતાની ફરજોને પ્રાધાન્ય આપે.

24 વર્ષ સુધી સરકારના વડા તરીકે સેવા આપવાની તક મળી
પીએમ મોદીએ બંધારણને પવિત્ર દસ્તાવેજ ગણાવીને જણાવ્યું કે બંધારણની તાકાતે મારા જેવા ગરીબ પરિવારમાંથી આવતા સામાન્ય વ્યક્તિને વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યો છે. બંધારણના કારણે જ મને સતત 24 વર્ષ સુધી સરકારના વડા તરીકે સેવા આપવાની તક મળી છે. મને યાદ છે કે, વર્ષ 2014 માં જ્યારે હું પ્રથમવાર સંસદ ભવનમાં પ્રવેશ કરી રહ્યો હતો, ત્યારે મેં પગથિયા પર માથું નમાવ્યું હતું અને લોકશાહીના સૌથી મોટા મંદિરને નમન કર્યું હતું. વર્ષ 2019 માં જ્યારે હું ચૂંટણી પરિણામો પછી સંસદના સેન્ટ્રલ હોલમાં પ્રવેશ્યો ત્યારે મેં સહજ રીતે બંધારણને મારા માથા પર મૂક્યું હતું.
આ પણ વાંચો…બંધારણ દિવસ 26 નવેમ્બરના રોજ કેમ મનાવવામાં આવે છે? જાણો સાચું કારણ…



