પીએમ મોદીએ કહ્યું, ,ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારીશું,’ અમેરિકાએ કહ્યું, ‘અમે દખલ નહીં કરીએ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં પણ અચકાશે નહીં. બંને નેતાઓનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. ભારતના આ બે દિગ્ગજ નેતાઓના નિવેદન પર અમેરિકાએ પણ હવે પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના વહીવટીતંત્રએ ભારત અને પાકિસ્તાનને તેમની સમસ્યાનો વાતચીત દ્વારા ઉકેલ શોધવાની સલાહ આપી છે. જોકે, અમેરિકાએ ચોક્કસપણે કહ્યું છે કે તે આ મામલામાં મધ્યસ્થી નહીં કરે.
આતંકવાદ પર મોદીના નિવેદન વિશે પૂછવામાં આવતા અમેરિકન પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે જેમ અમે પહેલા કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ આ મામલામાં વચ્ચે નહીં આવે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન બંને તણાવ ટાળવા માટે વાતચીત દ્વારા ઉકેલ લાવવાની કોશિશ કરે. નોંધનીય છે કે મેથ્યુ મિલર આતંકવાદીઓને ખતમ કરવા માટે અન્ય દેશોમાં ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન અંગેના એક સવાલનો જવાબ આપી રહ્યા હતા.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પીએમ મોદી અને રાજનાથ ટિપ્પણીઓ કેનેડામાં ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંહની કથિત હત્યા, આતંકવાદી ગુરુવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું, પાકિસ્તાનમાં આતંકવાદીઓની થઈ રહેલી તાજેતરની હત્યાઓ સાથે સંબંધિત છે? ત્યારે તેમણે કહ્યું હતું કે અમેરિકા આ વિશે કોઈ બાબતમાં સામેલ થવા માંગતું નથી.
મેથ્યુ મિલરને જ્યારે પૂછવામાં આવ્યું કે પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને અમેરિકાએ ભારત પર કોઈ પ્રતિબંધ શા માટે લગાવ્યો નથી ત્યારે તેમણે કહ્યું હતું કે હું ક્યારેય કોઈ પ્રતિબંધની કાર્યવાહીનું પૂર્વાવલોકન કરવાનો નથી. અમે કોઈ કાર્યવાહી કરવાના નથી.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં રાજનાથ સિંહે સીમા પારના આતંકવાદનો મુકાબલો કરવા માટે ભારતના દ્રષ્ટિકોણ પર એક કડક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અગર આતંકવાદીઓ ભારતમાં શાંતિ ભંગ કરવાની કે આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની કોશિશ કરશે તો તેને ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવશે. જો આ આતંકવાદીઓ પાકિસ્તાન ભાગી જશે તો ભારત પડોશી દેશમાં ઘુસીને પણ તેમને મારી નાખશે.
ઉત્તરાખંડની ચૂંટણી રેમાં રાજનાથજીના શબ્દોને પુનરાવર્તિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે પણ દેશમાં નબળી સરકાર રહી છે ત્યારે અમારા દુશ્મનોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે, પરંતુ આ મજબૂત સરકારમાં આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે.