ભારત ‘ન્યુટ્રલ’ નહીં, ભારતનો પક્ષ છે…… રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે PM મોદીએ આપ્યું મહત્ત્વનું નિવેદન

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસીય ભારતના પ્રવાસે છે. ત્યારે પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે હૈદરાબાદ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય શિખર બેઠક યોજાઈ રહી છે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને ઊર્જા સહિતના મુખ્ય મુદ્દાઓ પર અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે.
બેઠક પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પુતિનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા દ્વારા રશિયન તેલની ખરીદીને લઈને ભારતને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : ભારતમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલનનું આયોજન, PM Modi કરશે ઉદ્ઘાટન
ભારત ‘ન્યુટ્રલ’ નથી, ભારતનો પક્ષ શાંતિનો….
બંને દેશો વચ્ચેની બેઠકની શરૂઆતમાં વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત યુક્રેન-રશિયા સંઘર્ષમાં ‘તટસ્થ’ નથી, પરંતુ ‘શાંતિના પક્ષમાં’ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારત ન્યુટ્રલ નથી, ભારતનો પક્ષ છે અને એ પક્ષ શાંતિનો છે.
અમે શાંતિના દરેક પ્રયાસનું સમર્થન કરીએ છીએ.” પીએમ મોદીએ કહ્યું કે આ સંઘર્ષનો ઉકેલ સંવાદ અને કૂટનીતિ દ્વારા જ થવો જોઈએ. આના જવાબમાં રાષ્ટ્રપતિ પુતિને પણ કહ્યું કે રશિયા આ સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વનું કલ્યાણ શાંતિના માર્ગ પર જ છે અને તમામ દેશોએ સાથે મળીને શાંતિનો માર્ગ શોધવો જોઈએ.
પુતિનને ગણાવ્યા ‘વિઝનરી લીડર’
વડા પ્રધાન મોદીએ રશિયા સાથેના સંબંધોની 25 વર્ષની સફરને યાદ કરીને પુતિન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 2001માં જ્યારે પુતિને કાર્યભાર સંભાળ્યો અને ભારતની પ્રથમ મુલાકાત લીધી, ત્યારે જ ‘વ્યૂહાત્મક ભાગીદારી’નો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ પુતિનને ‘વિઝનરી લીડર’ ગણાવતા કહ્યું કે, “વ્યક્તિગત સ્તરે પણ મારા અને તમારી વચ્ચેના સંબંધોએ 25 વર્ષ પૂરા કર્યા છે.” તેમણે આશા વ્યક્ત કરી કે આ શિખર વાર્તા ઘણા પરિણામો સાથે સમાપ્ત થશે અને બંને દેશોના આર્થિક સંબંધોનો વધુ વિસ્તાર થશે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.
આ પણ વાંચો : વકફ બિલ પાસ કરાવવા સરકાર કરી રહી છે તૈયારી? વડાપ્રધાને ભાષણમાં આપ્યા સંકેત
ચાર વર્ષના ગાળા બાદ રાષ્ટ્રપતિ પુતિનની આ ભારત યાત્રા આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
આ સાથે અમેરિકાએ G7 દેશોને રશિયન તેલ ખરીદનારાઓ સામે કાર્યવાહી કરવા અપીલ પણ કરી છે. આવા દબાણ વચ્ચે પણ ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ અને વેપાર સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો ચાલુ રાખવા એ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનું પ્રતિક છે અને તેના દ્વિપક્ષીય સંબંધોના મહત્વને રેખાંકિત કરે છે.



