નેશનલ

બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

જમશેદપુર (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યમાં સત્તાધારી જેએમએમના નેતૃત્વ હેઠળની સરકાર પર વોટ બેંકની રાજનીતિ કરવા માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યાના આશ્રય આપવાનો ગંભીર આરોપ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે પાડોશી રાજ્યોમાંથી આવી રહેલા ઘૂસણખોરો ઝારખંડ માટે મોટું સંકટ છે અને તેમને કારણે સંથાલ પરગણા અને કોલ્હાન ક્ષેત્રમાં ડેમોગ્રાફી બદલાઈ રહી છે.

બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો સંથાલ પરગણા અને કોલ્હાન વિસ્તારમાં મોટું સંકટ બન્યા છે. આ વિસ્તારની ડેમોગ્રાફી ઝડપથી બદલાઈ રહી છે. આદીવસાી વસ્તી ઘટી રહી છે. ઘૂસણખોરો પંચાયત વ્યવસ્થા પર નિયંત્રણ મેળવી રહ્યા છે, લેન્ડ ગ્રેબિંગ કરી રહ્યા છે અને રાજ્યની દીકરીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. ઝારખંડનો દરેક નાગરિક અસુરક્ષિતતાની લાગણી અનુભવી રહ્યો છે એમ વડા પ્રધાને અહીના ગોપાલ મેદાનમાં આયોજિત પરિવર્તન મહારેલીને સંબોધતાં કહ્યું હતું.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે જેએમએમ ઘૂસણખોરોને ટેકો આપી રહ્યો છે અને સચ્ચાઈ એ છે કે પાડોશી દેશના ગેરકાયદે ઘૂસણખોરો રાજ્યની સત્તાધારી પાર્ટીમાં પોતાનો પ્રભાવ પાડવામાં સફળ થઈ રહ્યા છે.

મોદીએ જેએમએમ, આરજેડી અને કૉંગ્રેસને ઝારખંડના મોટામાં મોટા દુશ્મન ગણાવ્યા હતા અને ભારપુર્વક કહ્યું હતું કે આ સત્તાભૂખ્યા લોેકો છે અને વોટ બેંકની રાજનીતિમાં સંકળાયેલા છે.

આ પણ વાંચો : ઝાંસીની રાણીની શહાદત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ છાપનારું એકમાત્ર અખબાર

વડા પ્રધાને એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યની જેએમએમના નેતૃત્વ હેઠળની સરકાર કૉંગ્રેસની સ્કૂલ ઓફ કરપ્શનમાં તાલીમ પામેલી છે. ખાણો, ખનિજો અને લશ્કરની જમીનની લૂંટ ચલાવનારી જેએમએમની સરકારને વિદાય આપવાનો સમય આવી ગયો છે.

વડા પ્રધાન જમશેદપુર હેલિકોપ્ટરમાં પહોંચવાના હતા, પરંતુ ખરાબ વાતાવરણને કારણે તેમનું હેલિકોપ્ટર ઉડ્ડયન ન ભરી શકતાં તેમને રોડ માર્ગે જવું પડ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારે વરસાદ સહિતના કોઈપણ અવરોધ મને અહીં પહોંચતા રોકી શકશે નહીં. હું તમારી લાગણીઓથી અભિભૂત થઈ ગયો છું.

તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીઓ બાદ રાજ્યમાં ભાજપની સરકાર સ્થાપન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button