હવે પીએમ મોદીના રોડ શોને મળી મંજૂરી, રાજ્ય સરકારને ઝટકો
કોઈમ્બતુરઃ તમિલનાડુના કોઈમ્બતુરમાં પ્રસ્તાવિત પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો યોજવા મુદ્દે રાજ્ય સરકારે મનાઈ કર્યા પછી આ મુદ્દે હાઈ કોર્ટે તેની મંજૂરી આપી છે. મદ્રાસ હાઈ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા હવે વિધિવત રીતે રોડ શો યોજવા માટે પરવાનગી આપી છે. રાજ્ય સરકારે મંજૂરી નહીં આપતા હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાના કારણસર રોડ શો યોજવા મુદ્દે રેડ સિગ્નલ આપ્યું હતું.
અહીં એ જણાવવાનું કે કોઈમ્બતુરમાં પોલીસ પ્રશાસન દ્વારા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની પ્રસ્તાવિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ને ધ્યાનમાં રાખીને કોઈમ્બતુર સિટી પોલીસને 18 માર્ચે 3.6 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવાની મંજૂરી માગી હતી. આમ છતાં પોલીસ પ્રશાસન દ્વારા વિવિધ કારણોસર રોડ શોને મંજૂરી આપી નહોતી.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ભાગમાં વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન, શિલારોપણનું કામગીરી કરી રહ્યા છે, જેમાં છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.
તમિલનાડુમાં કોઈમ્બતુર શહેર પ્રશાસન દ્વારા રોડ-શોનું આયોજન કરવાની મનાઈ કરી છે, જેમાં સૌથી પહેલું કારણ સુરક્ષાના ખતરો હોવાનું જણાવ્યું હતું. સુરક્ષાના જોખમ સિવાય કોઈમ્બતુરના સામ્પ્રયાયિક ઈતિહાસ, આમ જનતાને થનારી મુશ્કેલી સહિત રોડ-શોની વચ્ચે અમુક સ્કૂલના વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલી વગેરે કારણ મહત્ત્વના છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રસ્તાવિત રોડ શો આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો. આરએસ પુરમ એ જ જગ્યાએ છે, જ્યાં 1998માં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. એના સિવાય કોઈમ્બતુર પણ સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તાર હોવાથી કોઈ પણ રાજકીય પાર્ટી કે જૂથને મંજૂરી પણ આપવામાં આવતી નથી.
ઉલ્લેખનીય છે કે આરએસ પુરમમાં 14 ફેબ્રુઆરી 1998માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ત્યાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ પછી અડવાણીએ પોતાના કાર્યક્રમને રદ્દ કર્યો હતો.